Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

“વન નેશન, વન રેશન કાર્ડ” યોજના લાગુ કરી નર્મદા જિલ્લામાં બહારગામનો વ્યક્તિ પણ ભૂખ્યો ન સૂવે તે માટે જિલ્લા વહિવટીતંત્ર કટીબદ્ધ

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી રોજગારી અર્થે રાજપીપલામાં આવેલો ગરીબ પરિવાર કેન્દ્ર સરકારની યોજનાથી થયો લાભાન્વિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્યના વિકાસના પાયામાં જ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મહત્વપૂર્ણ સ્થાને રહ્યાં છે, પરંતુ તેની સાથે લોકોની ચિંતા કરતી કેન્દ્ર અને ગુજરાત સરકાર કે જેઓ પોતાના પરિવાર અને વતનથી દૂર રહી ગુજરાન ચલાવતા રોજગારીની શોધમાં અન્ય પ્રાંતમાં જઈ રહ્યાં છે તેવા લોકોને “વન નેશન-વન રેશન કાર્ડ” યોજના અંતર્ગત પોતાના વતનના જ રેશન કાર્ડથી દેશના કોઈપણ રાજ્ય કે જિલ્લામાં સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ તેજ વિસ્તારમાં આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનેથી રાશન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો રાશનની દુકાન પરથી પોતાના હિસ્સાનું ખાદ્યાન્ન લઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની સરકારે આ યોજનાના અમલીકરણ થકી જે-તે રાજ્યમાં કામ કરવા ગયેલા રેશનકાર્ડ ધારકોને તેમના વિસ્તારની કોઈપણ સસ્તા અનાજની દુકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન દર મહિને સમયસર અને સરળતાથી મળી રહે છે. તેવા જ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની અને “વન નેશન-વન રેશન કાર્ડ” ના લાભાર્થી બલસિંગભાઈ બિસિયાભાઈ ડામોર છે. તેઓ રોજગારી અર્થે પોતાના વતનથી દૂર રાજપીપલાના વડિયા વિસ્તારમાં છેલ્લા ૭ વર્ષથી પરિવાર સાથે વસવાટ કરી મજૂરી કામ કરી રહ્યાં છે. તેઓ પહેલાં પોતાના હક્કનું અનાજ લેવા માટે મધ્યપ્રદેશ વતનમાં જતા હતા. જે તેમને ખૂબ જ મોંઘું પડતું હતું અને બે દિવસની રોજગારી પણ ગુમાવવી પડતી હતી. જેના કારણે ઘણી વખત તેમના હક્કનું અનાજ જતું કરી રાજપીપલામાંથી જ મોંઘા ભાવનું અનાજ ખરીદવું પડતું હતું.
   એક વખત તેઓ પોતાના ગામમાં આવેલી વ્યાજબી ભાવની સરકાર માન્ય અનાજની દુકાનમાં ગયા તો  ત્યાંના દુકાન સંચાલકે તેમને “વન નેશન-વન રેશન કાર્ડ” યોજના અંગે જાણકારી આપી હતી. જે બાદ તેઓ પરત જ્યારે રાજપીપલા આવ્યા તો નજીકમાં આવેલી દુકાનમાં આ યોજના બાબતની તપાસ કરી. દરમિયાન રાજપીપલામાં ચાલતી રાજપીપલા ગૃપ કો-ઓપરેટિવ વેલફેર સોસાયટીની સસ્તા અનાજની દુકાનના સંચાલકશ દિપેશભાઈ જે. શાહ સાથે સંપર્ક થયો હતો. બલસિંગભાઈએ પોતાની સમસ્યા અંગે દિપેશભાઈ ને જણાવતા તેમની સમસ્યાનો હલ આવ્યો હતો અને છેલ્લા ૭ (સાત) માસથી દર મહિને સસ્તા ભાવે વ્યક્તિ દીઠ પાંચ કિલો એટલે કે કુલ મળીને ૨૫ કિલો જેટલું મફત અનાજ મેળવી રહ્યાં છે. જે માટે બલસિંગભાઈએ આ યોજના અંતર્ગત માત્ર પોતાની ફિંગર પ્રિન્ટ જ આપવાની રહે છે. ત્યારબાદ તેમને મળેલા જથ્થાની રેશનકાર્ડમાં નોંધણી પણ કરવામાં આવે છે.
   સરકારે ગરીબ પરિવારો તેમજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારોના પડખે રહીને તેમને ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પ સાથે અમલી બનાવેલી આ “વન નેશન-વન રેશન કાર્ડ” યોજનાના લાભાર્થીશ્રી બલસિંગભાઈ બિસિયાભાઈ ડામોરે આ યોજના વિષે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાનો રહેવાસી છું અને મારું વતન છોડીને મજૂરી કામ કરવા માટે રાજપીપલા આવ્યો છું. મારા રાશન કાર્ડની નોંધણી વતન મધ્યપ્રદેશમાં થયેલી છે. છતાં મને અહીંથી માત્ર ફિંગર પ્રિન્ટના આધારે “વન નેશન-વન રેશન કાર્ડ” યોજના થકી મારા પરિવારના હિસ્સે આવતું અનાજ રાહત દરે મળી રહે છે. આના પહેલાં અમારે બજારમાંથી વેચાતું અનાજ ખરીદવું પડતું હતું. જે અમને પરવડતું નહોતું પરંતુ સરકારશ્રીએ આ જે યોજના લાગુ કરી ત્યારથી મારા પરિવારના દિવસના બે વખતના ભોજનની ચિંતા હવે મને સતાવતી નથી. હું નિશ્ચિંત થઈને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છું. સરકારશ્રી દ્વારા મળતું અનાજ મેળવવામાં મને કોઈ તકલીફ પડતી નથી. સરકારશ્રીએ અમારા જેવા ગરીબ પરિવારોની ચિંતા કરી જે “વન નેશન-વન રેશનકાર્ડ” ની જે યોજના લાગુ કરી છે તે ખરેખર આવકાર દાયક છે.

(10:23 pm IST)