Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદમાં સી.જી.રોડ પરથી સમી સાંજે લાખો રૂપિયાની ચીલઝડપ કરનાર બે આરોપી ઝડપાયા

આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઇને જઇ રહેલા એક્સેસ ચાલક પાસેથી બેગ છીનવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા

અમદાવાદમાં સી.જી.રોડ પરથી સમી સાંજે લાખો રૂપિયાની ચીલઝડપ કરનાર  બે આરોપીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. જો કે સમગ્ર કાવતરાના માસ્ટર માઇન્ડ પોલીસથી બચવા માટે ગજબનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પરંતુ પોલીસે આ પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. જેમાં અમદાવાદ શહેરના સી.જી.રોડ પર થોડા દિવસ પહેલા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઇને જઇ રહેલા એક્સેસ ચાલક પાસેથી બેગ છીનવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હંમેશા માટે ભરચક એવા સીજી રોડ પર લાખોની ચીલ ઝડપની ઘટના બનતા જ ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી

બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશાલ અને મનોજ સિંધી નામના આરોપીની ધરપકડ કરીને રૂપિયા 31 લાખ રોકડા અને ગુનામાં ઉપયોગ કરેલ વાહન જપ્ત કરેલ છે. જેમાં આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે અન્ય એક ઈસમ પપ્પુ ગારંગે સાથે મળીને તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર બનાવ પાછળ પપ્પુ ગારંગે માસ્ટર માઈન્ડ છે. જોકે પોલીસના હાથે ઝડપાઈ જાય નહીં તે માટે તેણે જે દિવસે તેઓ આ બનાવને અંજામ આપવાના હતા તે દિવસે તેણે પોતાના નામ અને મોબાઈલ નંબર સાથે કોલ્હાપુરની ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી અને તેના નામે તેની પત્નીને કોલ્હાપુર મોકલી દીધી છે.

જેમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો વિશાલ નામનો આરોપી અગાઉ સરદારનગર, દરિયાપુર, વડોદરામાં નજર ચૂકવીને ચોરી કરવાના ગુનામાં પકડાયેલા છે અને બે વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. જ્યારે મનીષ ઉર્ફે મનોજ સિંધી કાગડાપીઠ, એલિસબ્રિજ, નવરંગપુરા, સરદારનગર, એરપોર્ટ પોલીસ મથકમાં ચોરીઓ તથા દારૂના ગુનામાં અને રાજકોટ તેમજ વડોદરા શહેરમાં બેગ લિફ્ટીગના ગુનામાં પકડાયેલ છે અને ચાર વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે.

(10:45 pm IST)