Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

વિદેશ નોકરી જતાં ભારતીયોને સરકારની મોટી ભેટ ! : કર્મચારીઓએ નહીં આપવું પડે બેવડું યોગદાન

સામાજિક સુરક્ષા કરાર પર અમેરિકા અને યુકે સરકારની મંત્રણા : ભારતમાં PFની સામાજિક યોજના પણ ચાલુ રાખી શકાશે

અમદાવાદ તા. 28 : નોકરી માટે વિદેશ જતાં લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ભારત સરકાર આવા લોકોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે.  કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા કરારો પર અમેરિકા અને યુકે સાથે વાટાઘાટો કરી રહી છે. જો બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર થશે તો અમેરિકા અને યુકેમાં ભારતીય કર્મચારીઓએ સામાજિક સુરક્ષામાં બેવડું યોગદાન આપવું નહીં પડે.

આ કરારથી નોકરીદાતાઓ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ કર્મચારીઓને બેવડા સામાજિક સુરક્ષા યોગદાનને ટાળી શકશે. ભારતે બેલ્જિયમ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ડેન્માર્ક, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, હંગેરી, ફિનલેન્ડ, સ્વીડન, ચેક રિપબ્લિક, નોર્વે, ઓસ્ટ્રિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને પોર્ટુગલ સાથે સામાજિક સુરક્ષા કરાર કર્યા છે. એટલે કે આ દેશોમાં નોકરી માટે જનારા લોકોને સરકાર મોટા ફાયદા આપવાની તૈયારી કરી રહી છે.

જો બ્રિટન અને અમેરિકા સાથે ભારતના કરાર સફળ રહે તો રોજગાર માટે વિદેશ જતા ભારતીયોએ ત્યાંના સામાજિક સુરક્ષા યોજનામાં યોગદાન આપવાની જરુર નહીં રહે તેમજ કરાર બાદ તેઓ અને તેમના નિયોક્તા વિદેશમાં ફરજ બજાવતી વખતે ભારતમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજનાઓ ચાલુ રાખી શકે છે. એટલે એકંદરે સરકારની આ યોજના વિદેશ જતા કર્મચારીઓને જબરદસ્ત લાભ આપનારી છે.

(12:09 am IST)