Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

વડાપ્રધાને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જૂની યાદોને તાજી કરી : પેસેન્જર વાહન ચાલકોના લહેકો યાદ કર્યો

PMએ સાબરકાંઠા જિલ્લાના કેટલાક નામોને ગુરુવારે સાબરડેરીની મુલાકાત વેળા યાદ કર્યા

સાબરકાંઠા તા.28 : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબરડેરીએ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાને સાબરડેરી પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અને તે બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જૂની યાદોને તાજી કરી હતી.

સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  ગુરુવારે આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને સાબરડેરી દ્વારા નવા સ્થાપવામાં આવેલા પાવડર પ્લાન્ટ અને ટેટ્રા પેક પ્લાન્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે ચીઝ પ્લાન્ટનુ ખાતમૂર્હત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાને 60 હજાર જેટલી મહિલાઓને સંબોધન કરતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જૂની યાદોને તાજી કરી હતી. તેઓએ પોતાના જીવનકાળમાં મળેલા સાથને પણ યાદ કર્યો હતો. વડાપ્રધાને પોતાના જૂના સાથીઓના અવસાનને લઈ તેમને યાદ કર્યા હતા. આ ઉપરાંત તેઓએ જીપ અને બસમાં હિંમતનગરનો પ્રવાસ દાયકાઓ પહેલા ખેડ્યો હતો અને એ યાદોને પણ તાજી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિંમતનગરની ગલીઓ ગલીઓમાં ફરી ચૂક્યા છે. અરવલ્લી જિલ્લો રચાયોએ પહેલાના સંપૂર્ણ સાબરકાંઠા જિલ્લામાં નરેન્દ્રભાઈ મોદી તમામ નગરો અને શહેરમાં ફરી ચુક્યા છે. સેવા ભાવી અને સંઘના લોકો સાથે ખૂબ સમય વિતાવી ચૂક્યા છે. આ સમયને તેઓએ મુખ્યપ્રધાન હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા બાદ આ ત્રીજી વારની મુલાકાતમાં તેઓ યાદ કરી ચુક્યા છે. તેઓએ સાબરકાંઠા જિલ્લાના કેટલાક નામોને ગુરુવારે સાબરડેરીની મુલાકાત વેળા યાદ કર્યા હતા.

PM એશીં અને નેવુંના દાયકામાં હિંમતનગરમાં આવતા અને અહીં રોકાણ કર્યુ હતુ, ત્યારે તેઓએ બસ અને સ્થાનિક પેસેન્જર વાહનમાં મુસાફરી કરતા હોવાનુ અગાઉ તેઓ કહી ચુક્યા છે. હાલ પણ આ વાતને યાદ કરતા કહ્યુ કે, સાબરકાંઠામાં કોઈક જ એવો ભાગ હશે કે જ્યાં મારુ જવાનુ ના થયુ હોય. હિંમતનગરના બસ સ્ટેશન આગળ ઉભા રહીએ, એટલે ખેડ.. ખેડ… ખેડ.. ખેડ… વડાલી … વડાલી … હેંડો .. હેંડો… ઇડર, ભીલોડા હેંડો.. હેંડો…આ અવાજ આજે પણ મારા કાનમાં ગૂંજે છે. આ વાતને તેઓએ યાદ કરી હતી અને લોકો સાથે પેસેન્જર વ્હીકલના ચાલકોના અવાજ પોતાના કાનમાં ગૂંજતા અવાજને એજ રીતે બોલી દર્શાવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રાંતિજના સીતવાડાના જયેન્દ્રસિંહ રાઠોડ, હિંમતનગર નગર પાલીકાના પૂર્વ પ્રમુખ શ્રીરામ સાંખલા, એસએમ ખાંટ, ગજાનંદભાઈ પ્રજાપતિ, વિનોદ, માલજીભાઈ, પ્રવિણસિંહ દેવડા, મોડાસાના રાજાભાઈ, ઇડરના રમણીકભાઈ અને અનેક સગર પરીવારો, ડાહ્યાભાઈ ભટ્ટ તેમજ મૂળજીભાઈ પરમારને યાદ કર્યા હતા. તેઓએ નામોને યાદ કરતા કહ્યુ હતુ કે સાબરકાંઠાને યાદ કરીએ એટલે આ નામ યાદ આવે જ. હવે નવી જવાબદારી સોંપી છે, એટલે જૂની યાદોને યાદ કરીને આનંદ લઈએ છીએ.

(12:10 am IST)