Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગાંધીનગરથી અમદાવાદને જોડતા ખોડિયાર કન્ટેનર બ્રિજના તૂટેલા ભાગનું સમારકામ શરૂ

સરખેજ ગાંધીનગર હાઇવે પર ખોડિયાર કન્ટેનર બ્રિજમાં વરસાદ પડતા આશરે 10 ફૂટનું ગાબડું પડી જતા બ્રિજને બંધ કરી દેવાયો હતો

અમદાવાદ :સરખેજ ગાંધીનગર હાઇવે પર થોડા મહિનાઓ અગાઉ બનાવવામાં આવેલા ખોડિયાર કન્ટેનર બ્રિજમાં ગાબડું પડ્યું હતું. હવે તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વરસાદ પડતાં જ આશરે 10 ફૂટનું ગાબડું પડી જતા બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી હતી. બ્રિજમાં ગત રોજ પડેલાં ગાબડા બાદ બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ બ્રિજમાં પડેલા ગાબડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.  બ્રિજના નીચે સપોર્ટ તરીકે આવતો એક ભાગ અને માટી બેસી જતા રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ બ્રિજને ફરીથી પૂર્વવત કરવા માટે તંત્રની ટીમો કામે લાગી છે.બ્રિજના નીચે જૂની ડેડ થયેલી ગટરલાઈન હોવાને કારણે બ્રિજનો એક ભાગ બેસી ગયો હોવાની આશંકા હતી. બેલ્ટ તૂટવાથી અને માટી બેસી જવાથી ગાંધીનગરથી અમદાવાદ તરફનો બ્રિજનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજને બનાવવા માટે અંદાજે ૧૮ કરોડ રૂપિયા વપરાયા છે.  બ્રિજના બાંધકામમાં બનાવાયેલા લેયર અને ઈ.પી.ડી.એમ. લેયર યથાવત છે, પરંતુ બેલ્ટ તૂટી જવાને કારણે અને બ્રિજના નીચેથી જૂની ડેડ ગટરલાઈન હોવાને કારણે ભાગ બેસી ગયો હોવાનું અનુમાન છે.

(12:25 am IST)