Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સરકારે ૧૫ વર્ષ જૂના વાહનો માટે ૮૪ વાહન ફિટનેસ પરીક્ષણ કેન્‍દ્રો માટે મંજૂરી આપી

હજુ ફી નક્કી કરવાની બાકી છે

અમદાવાદ તા. ૨૯ : રાજય સરકારે ૧૫ વર્ષ જૂના વાહનો માટે ૮૪ વાહન ફિટનેસ પરીક્ષણ કેન્‍દ્રો માટે મંજૂરી આપી છે. સીએમ ભૂપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં મળેલી ઉચ્‍ચસ્‍તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. કેન્‍દ્રો પીપીપી મોડ હેઠળ સ્‍થાપિત કરવામાં આવશે. ACS પોર્ટ્‍સ અને ટ્રાન્‍સપોર્ટ મનોજ દાસે જણાવ્‍યું હતું કે ૯૦ કેન્‍દ્રો માટે અરજીઓ મળી હતી, જેમાંથી ૮૪ મંજૂર કરવામાં આવી હતી.

રાજયએ હજુ ફી નક્કી કરવાની બાકી છે અને સરકારે રેવન્‍યુ શેરિંગ મોડલને પસંદ ન કરવાનો નિર્ણય લીધો છે. કેન્‍દ્ર સંચાલકો ફી વસૂલ કરશે અને આનાથી વધુ લોકોને આવા કેન્‍દ્રો સ્‍થાપવા પ્રોત્‍સાહિત થશે, એમ દાસે જણાવ્‍યું હતું.

સંપૂર્ણ સ્‍વચાલિત કેન્‍દ્રો માનવ હસ્‍તક્ષેપ વિના ચલાવવામાં આવશે અને જે વાહનો ત્રણ વખત ફિટનેસ ટેસ્‍ટમાં નિષ્‍ફળ જશે તેને સ્‍ક્રેપ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્‍યું હતું.

સ્‍ક્રેપ પોલિસી ભારે વાહનો માટે માર્ચ ૨૦૨૩ અને હળવા વાહનો માટે માર્ચ ૨૦૨૪થી અમલમાં આવશે.

વાહન ફિટનેસ કેન્‍દ્રોની સ્‍થાપનાથી વિપરીત, ઘણી ઓછી કંપનીઓએ સ્‍ક્રેપ કેન્‍દ્રો સ્‍થાપવામાં રસ દાખવ્‍યો છે. કેન્‍દ્ર અલંગને સ્‍ક્રેપ યાર્ડ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે કારણ કે તેમાં વાહનોને સ્‍ક્રેપ કરવા માટે મૂળભૂત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર છે. રાજય એવું પણ માને છે કે તે બંદરોની નજીક હોવાથી અન્‍ય એશિયન દેશો માટે વાહન સ્‍ક્રેપિંગ માટે પણ તે એક મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર બની શકે છે. પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે હજુ સુધી સ્‍ક્રેપ સેન્‍ટર સ્‍થાપવા માટે કોઈ કંપનીની પસંદગી કરવામાં આવી નથી.

(10:53 am IST)