Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જીએસટીની અસર : તહેવારો પહેલાં જ મીઠાઇ - ફરસાણના ભાવ ૧૫% વધ્‍યા

દૂધ, દહીં, લોટ સહિતની ચીજવસ્‍તુઓના ભાવ પર ૫% જીએસટી લાગુ થતાં અસર

સુરત તા. ૨૯ : રોજિંદી જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ પર અત્‍યાર સુધી એક પણ રુપિયાનો જીએસટી વસુલ કરવામાં આવતો નહોતો. પરંતુ હવેથી પાંચ ટકા જીએસટી વસુલ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યા બાદ શહેરીજનોની સૌથી વધુ મનપસંદ ફરસાણ અને મીઠાઇના ભાવમાં ૧૫ ટકા સુધીનો વધારો થવાનો છે. કારણ કે કેન્‍દ્ર સરકારે લેબલવાળા પેકેટમાં વેચાતા દૂધ, દહીં, છાસ અને લોટ સહિતની ચીજવસ્‍તુ પર ૫% જીએસટી લાગુ કર્યો છે.

ગત ૧૦ જુલાઈથી હિન્‍દુ ચાતુર્માસ શરૂ થતાની સાથે જ તહેવારો શરૂ થઈ ગયા છે. એવામાં જ જન્‍માષ્ટમી અને રક્ષાબંધન સહિતના તહેવારોની ઉજવણીનો માહોલ શરૂ થઇ ગયો છે. તહેવારોમાં અમદાવાદીઓ મીઠાઇ અને ફરસાણની ખાસ કરે છે. તહેવારોની સાથે સાથે લગ્નસીઝન પણ દિવાળી બાદ શરૂ થવાની છે. જોકે લગ્ન માટેના બુકિંગ પણ અત્‍યારથી જ કરવામાં આવી રહ્યા છે. જેથી કેટરીંગ સેવા પણ મોંઘી બનવાની છે. તેનું કારણ એવુ છે કે કેન્‍દ્ર સરકારે ૧૮ જુલાઇથી લોટ, દુધ સહિતની ચીજવસ્‍તુઓ પર પાંચ ટકા જીએસટી લાગુ કરતા ભાવ વધારાની અસર જોવા મળવાની છે. તેમાં પણ મીઠાઇના ભાવમાં પાંચ ટકા અને ફરસાણના ભાવમાં ૧૫ ટકા સુધીનો વધારો થવાનો છે.(૨૧.૧૯)

કેટરીંગના ભાવમાં સીધો ૧૫ ટકાનો વધારો થશે

રૂ.૨૫૦થી માંડીને રૂ.૩,૦૦૦ સુધીની ડીશ હોય છે. જેમાં મોટેભાગે રૂ.૨૫૦થી રૂ.૧,૦૦૦ સુધીની ડીશોનો ઓર્ડર મળતો હોય છે. લગ્નમાં રૂ.૫૦૦થી રૂ.૧,૦૦૦ સુધીની ડીશનો ઓર્ડર મળતો હોય છે. પાંચ ટકા જીએસટીના કારણે લોટ સહિતમાં ભાવ વધતા પ્‍લેટ દીઠ ભાવ ૧૫% સુધીનો વધારો થયો છે.

હોટેલના બિલમાં પાંચ ટકા વધારો થશે

પાંચ ટકા જીએસટી લાગુ કર્યા બાદ ઘઉંના લોટ અને છાશ સહિતની ચીજવસ્‍તુના ભાવ વધ્‍યા છે. જેથી હોટેલના બિલમાં પાંચ ટકાનો વધારો આવશે. તેનાથી બિલમાં ભાવ વધતા જ ગ્રાહકો ઘટી જશે.

ફરસાણમાં કિલોએ રૂ.૩૦નો વધારો થશે

ફરસાણના ભાવમાં વધારો કરવાની વેપારીઓને ફરજ પડી છે. જે ફરસાણ પ્રતિકિલો રૂ. ૨૦૦થી ૩૦૦માં વેચાતું હતું, તે આજે રૂ. ૨૨૦થી ૩૩૦માં વેચાતું થઈ ગયું છે.

(1:24 pm IST)