Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સાવધાન હવે કિન્નર વેષ ધારણ કરી મહિલાઓ સાથે છેતરપિંડી

સુરતમાં બનેલ ઘટનાઃ ગુજરાતભરના લોકોએ ચેતવા જેવું: ડીસીપી હર્ષદ મહેતા

રાજકોટઃ સુરતમાં ગુન્‍હાખોરીના વિવિધ પ્રકારો ગુનેગારો અજમાવી રહ્યા છે ત્‍યારે પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા ડીસીપી હર્ષદ મહેતા દ્વારા સામાન્‍ય લોકોની નાની રકમ પણ તેમની પરસેવાની કમાણી જેવી હોવાથી આવી બાબતો પ્રત્‍યે બાજ નજર રાખવામાં આવે છે. દરમિયાન કિન્નર જેઓ વેષ ધારણ કરી એકલી ભોળી મહિલાઓને વિધિ કરાવવાના બહાને લૂંટતા બે શખ્‍સોને ઝડપી લીધા છે. આરોપી પાસેથી ૯૬ હજારથી વધુ રકમનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યા છે. આરોપી રકમ સાથે નાસી ગયો હતો. અમરોલી પોલીસ મથકના પીઆઇ વી.યુ.ગડરીયા, પીએસઆઇ જે.કે.બારીયા, એમ જી.રાઠોડ, તથા એ.એસ.આઇ દિપકભાઇ અને રાકેશભાઇની બાતમી આધારે કાર્યવાહી થયેલ.

ડીસીપી હર્ષદ મહેતા જણાવે છે કે આ ઘટના ભલે સુરતની હોય આ બાબત અહી પુરતી મર્યાદિત નથી, ગુજરાતભરના લોકો આવી બાબતો પ્રત્‍યે સાવધાન રહે, બહેનો પણ કોઇ અજાણ્‍યા લોકો પર વિશ્વાસ ન મૂકે અને પોલીસને સહકાર આપે.

(4:31 pm IST)