Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

આ વર્ષે ગુજરાત ઉપર મેઘરાજા વધુ મહેરબાન થયાઃ 70 ઠકા વરસાદ અત્‍યાર સુધીમાં વરસી ગયોઃ જુલાઇ મહિનામાં થવો જોઇએ તેના કરતા 56 ટકા વધુ વરસી ગયો

કચ્‍છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્‍ટ્રમાં 82 ટકા વરસાદ પડયો

Photo: 02

અમદાવાદ: રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે.

રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.

રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

(5:14 pm IST)