Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગુજરાતને હચમચાવી નાખનાર કેમિકલકાંડમાં અમદાવાદની એમોસ કંપની સીલઃ આબકારી વિભાગ દ્વારા મિથેનોલ કેમિકલનો જથ્‍થો સીલ

નિયમ મુજબ લાયસન્‍સ પણ ન હોવાથી કાર્યવાહી

અમદાવાદ: સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનાર કેમિકલ કાંડમાં અમદાવાદની એમોસ કંપની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેમિકલ કાંડ મામલે હવે મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. સમગ્ર કેમિકલ કાંડનું મૂળ કહેવાતી AMOS કંપની પાસે કેમિકલ લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું હતું. હવે એએસમી સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. નિયમ અનુસાર લેનાર લાયસન્સ ન હોવાની નોટિસ અને સીલની કાર્યવાહી કરી છે. AMOS કંપની પાસેથી નસાબંધી અને આબકારી વિભાગે મિથેનોલ કેમિકલનો જથ્થો પણ સીલ કર્યો હતો. આજે એએસમી વિભાગે ફેક્ટરી પર તવાઇ બોલાવી છે.

અમદાવાદની એમોસ કંપનીને સીલ કરી દેવામાં આવી છે, એટલું જ નહીં, જ્યાંથી મિથેનોલ ચોરાયું હતું એ કંપની પાસે કેમિકલ લાયસન્સ ન હોવાથી AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આવેલી AMOS કપંનીમાંથી જ મુખ્ય આરોપી જયેશે 600 લિટર કેમિકલ ચોરી બરવાળાના બુટલેગરોને આપ્યું હતું

જાણો AMCના સોલિડ વેસ્ટ વિભાગે શું કરી કાર્યવાહી?

આ વિશે મળતી મહિતી પ્રમાણે અમદાવાદની AMOS કંપનીમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીમાં રહેલ મિથેનોલ કેમિકલના નમૂના હાલ FSLમાં મોકલવામાં આવ્યા છે. તેમજ AMOS કપંનીના કેમિકલના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. કંપનીમાં રહેલ 8 હજાર લીટર કેમિકલને સીઝ કરી AMOS કંપનીને બંધ કરવાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આ તપાસમાં એ પણ ખૂલ્યું છે કે AMOS કંપની જોબ વર્ક પર કામ કરતી હતી અને ફીનાર કંપનીને મિથેનોલ કેમિકલનો જથ્થો આપતી હતી. અઢી લીટરની કાચની બોટલિંગ કરી પ્રોસેસિંગ કરતા હતા. સમગ્ર મામલે કંપનીના માલિક સમીર પટેલની પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બોટાદના બરવળાના કેમિકલકાંડ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારે પણ આ ઘટનામાં ઉંડી તપાસ કરવાનો નિર્ણય બનાવી લીધો છે. એવામાં AMOS કંપનીએ અખાદ્ય પદાર્થની બનાવટ માટે જે લાયસન્સ મહાનગરપાલિકામાંથી લેવાનું હોય છે તે અખાદ્ય કેમિકલના બનાવટનું લાયસન્સ જ ન મેળવ્યાની વાત AMCની તપાસમાં સામે આવી રહીં છે. સમગ્ર કેમિકલ કાંડનું મૂળ કહેવાતી AMOS કંપની પર SITની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. સાથે આરોપી જયેશને પણ રાખવામાં આવ્યો હતો.

(5:16 pm IST)