Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ: પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જાળવી રાખી

એકમાત્ર નવસારીમાં જ માનવ કદનો ઢીંગલો બનાવી દિવાસાને દિવસે તેની શોભાયાત્રા કાઢી નદીમાં વિસર્જન કરવામાં આવે છે

નવસારી: નવસારીમાં 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જાળવી રાખી છે.

નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થતુ હતું. જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા, ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મુક્યો કે, એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે. જેને આદિવાસીઓએ માન્યુ અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો.

જેમાં માટીમાંથી બનાવેલ મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગરેટ પણ પીવડાવવામાં આવી હતી. સાથે જ કોલેરા ભાગે એવી માનતા પણ લીધી હતી. ત્યારબાદ દિવાસાને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો. જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. ત્યારથી દરવર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવામાં આવે છે.

એકમાત્ર નવસારીમાં જ માનવ કદનો ઢીંગલો બનાવી દિવાસાને દિવસે તેની શોભાયાત્રા કાઢી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. શ્રદ્ધાનું પ્રતિક બનેલા ઢીંગલા બાપાની લોકો માનતા રાખી દર્શને આવે છે અને ઉત્સાહ સાથે શોભાયાત્રામાં પણ જોડાય છે. લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા, ભણતર સહિત જીવનની અનેક સમસ્યાનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે, એવી લોકોને શ્રદ્ધા છે. જેથી દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવે છે અને તેમની માનતા પુરી થતા ઢીંગલી, રમતું નારિયેળ, સિગરેટ, નોટ, પેન્સિલ-રબર જેવી વસ્તુ ચઢાવે છે.

ઉલ્લેખનિય છે કે, ઢીંગલાને સિગરેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે.

(5:18 pm IST)