Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગાંધીનગરમાં ખેડૂતની જમીન પર ગામના દસ શખ્સોએ મળી ગેરકાયદેસર કબ્જો જમાવતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ઘણા તત્વો દ્વારા ગેરકાયદેરીતે કબ્જો જમાવીને જમીન પચાવી પાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે, તેમની સામે લેન્ડ ગ્રેબીંગનો કાયદો ચલાવીને ન્યાય આપવામાં આવે છે ત્યારે લવારપુરમાં ખાનગી માલીકી ખેડૂતની જમીન પર પણ ગેરકાયદેરીતે કબ્જો કરીને ત્યાં કાચા મકાનો બનાવી દેનાર સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મૂળ લવારપુરના હાલ અમદાવાદ સેટેલાઇટમાં રહેતા  અને ખેતી તથા કોન્ટ્રાક્ટરની કામગીરી સાથે સંકળાયેલા જનકભાઇ ગોકળદાસ પટેલે ફરિયાદ આપી છે કે,તેમના હસ્તક વડિલો પાર્જીત અને વેચાણ રાખેલી જમીન ગાંધીનગરના લવારપુર ગામમાં છે જ્યાં તેમના માણસો દ્વારા ખેતીની પ્રવૃત્તી કરવામાં આવે છે. લવારપુરમાં આવેલી જમીનમાં બોરકુવા તથા બે પાકા મકાનો પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં તેઓ નિયમીત દેખરેખ રાખવા જતા હતા પરંતુ કોરોનાકાળ દરમિયાન તેઓ અહીં ગયા ન હતી અને તે તકનો લાભ લઇને ગામના જ વ્યક્તિઓએ તેમની જમીનમાં કબ્જો કરવાનું શરૃ કર્યું હતું જોતજોતામાં ગામમાં જ રહેતા કોદરજી ઠાકરો, બુધાજી ઠાકોર, ભીખાજી ઠાકોર, મહેશ ઠાકરો, ગોવિંદ ઠાકોર, રેવા ઠાકોર, જગદીશ ઠાકોર, જડીબેન ઠાકોર, હીરાબેન ઠાકોર અને પાલીબેન ઠાકોરે જનકભાઇની જમીનમાં ૨૦૦ ચોરસ મીટર ઉપર ગેરકાયદે કબ્જો કરી દીધો હતો એટલુ જ નહીં, અહીં કાચા મકાનો પણ બનાવી દેવામાં આવ્યા હતા. જેને દૂર કરવા માટે જે તે વખતે જનકભાઇ તથા તેમના માણસોએ આ ગેરકાયદે કબ્જો કરનારને કહ્યું હતું પરંતુ તેઓ દ્વારા ઝગડો કરવામાં આવ્યો હતો અને આ જમીનમાં હક્ક જમાવવાના ઇરાદા પણ ધરાવતા હતા જેથી જનકભાઇએ તેમની જમીનમાં ગેરકાયદે કબ્જો કરીને બેઠેલા આ દસ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી જેના પગલે ડભોડા પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને હવેે ગેરકાયદેસર કબ્જો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

(5:51 pm IST)