Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

હિમાચલ પ્રદેશથી ચરસ મંગાવી સુરતમાં ડિલિવરી કરનાર નવસારીના માતા-પુત્ર પૈકી પુત્રના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:હીમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો મંગાવીને સુરતમાં છુટક વેચાણ કરતા રંગે હાથે ઝડપાયેલા નવસારીના માતા-પુત્ર પૈકી આરોપી પુત્રએ ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના જજ એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી છે.

સુરત ક્રાઈમ બ્રાંચે ગઈ તા.25મી એપ્રિલના રોજ નવસારીથી એક્સેસ મોપેડ પર પ્રતિબંધિત 235 ગ્રામ ચરસનો જથ્થાનું છુટક વેચાણ માટે આવેલા આરોપી શીતલબેન સાંગાણી તથા તેના 22 વર્ષીય પુત્ર ઉત્સવ રમેશ સાંગાણીને ડુમસ રોડ સ્થિત હેપ્પી હોમ લકઝરીયા ટ્રેડ હબ પાસેથી ઝડપી લીધા હતા.આરોપી માતા-પુત્ર સહિત વોન્ટેડ આરોપી નિરવ અરૃણ પટેલ પાસેથી હિમાચલપ્રદેશથી પ્રતિબંધિત ચરસનો જથ્થો મંગાવીને વેચાણ કરીને આર્થિક લાભ મેળવતા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતુ. નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા આરોપી ઉત્સવ સાંગાણીએ ચાર્જશીટ બાદ જામીન માટે માંગ કરતા જણાવ્યું હતું કે આરોપીની ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી છે.આરોપીના કબજામાંથી લીધેલા મુદ્દામાલ ઈન્ટરમીડીયેટ ક્વોન્ટીટીનો હોઈ કલમ-37નો બાધ નડતો નથી.આરોપી પોતે હિમાચલ પ્રદેશ ગયા નથી કે કહેવાતા માલનું વેચાણ કરી આર્થિક લાભ મેળવ્યો નથી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીના બેંક ખાતામાંથી ઓનલાઈન પેમેન્ટ કરીને હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો મંગાવવામાં આવતો હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીને જામીન આપવાથી ફરીથી આવી રીતે ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સનું વેચાણ કરે તેવી સંભાવના છે.ખાસ કરીને નાર્કોટીક્સ ડ્રગ્સનું સેવન યુવા પેઢી માટે દુષણરૃપ હોઈ તેને અટકાવવું જરૃરી છે.

(5:51 pm IST)