Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

DGVCL દ્વારા ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જમાં વધારો કરાયો : કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવર્સ હાલત કફોડી બની

છેલ્લા છ માસમાં DGVCL દ્વારા ફ્યુઅલ એડજેસ્ટ મેન્ટ ચાર્જમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો : ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ અંગેની પણ નોટિસ ફટકારાઈ

સુરત તા. 29 : વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વીજળીએ મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. ત્યારે DGVCL દ્વારા ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જમાં એક બાદ એક વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં ફક્ત છેલ્લા છ માસમાં જ ફ્યુઅલ એડજેસ્ટ મેન્ટ ચાર્જમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવર્સ હાલત કફોડી બની ગઈ છે.

DGVCL દ્વારા છેલ્લા છ માસમાં ફ્યુઅલ એડજેસ્ટ મેન્ટ ચાર્જમાં 0.50 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જે ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશનના જણાવ્યા મુજબ, 50 ટકાનો વધારો છે.

ફોગવા એસોસીએશન તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે, હાલ મંદીની પરિસ્થિતિ હોવાના કારણે અને બીજી બાજુ વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલો વધારો તેમની માટે અસહ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસોસિએશન દ્વારા થોડાક દિવસ પહેલા સુરત DGVCLને આ બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ વધારા સામે વિરોધ નોંધાવીએ નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગને સબસીડી રેડથી વીજળી પૂરી પાડવામાં આવે છે જ્યારે બીજી બાજુ ગુજરાતમાં વીજદર 7.75 પ્રતિ યુનિટ છે અને તેની સામે મહારાષ્ટ્રમાં માત્ર 4.50 પ્રતિ યુનિટ છે. એટલું જ નહીં વીજ કંપનીઓ દ્વારા સમયસર વીજ બીલ ભરતા ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ અંગેની પણ નોટિસ ફટકારવામાં આવી રહી છે.

હાલ જે પરિસ્થિતિ કાપડ ઉદ્યોગમાં જોવા મળી રહી છે તેમાં આર્થિક સંજોગો અને મંદીને ધ્યાનમાં લેતા વધારો વિવિધ ઉદ્યોગ માટે અસહ્ય છે. આવનાર દિવસોમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ ફોગવા એસોસિએશન આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ફોગવા એસોસીએશન તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતમાં જો યોગ્ય પગલા લેવામાં નહીં આવશે તો લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગને તાળા મારવા વખત આવી જશે. આ ઉદ્યોગ ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાંથી ધીરે-ધીરે પલાયન થઇ જશે.

એસોસીએશનના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે,જે રીતે ડીજીવીસીએલ દ્વારા વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને ગણતરી કરવા જઈએ તો જે લોકોને 10000 યુનિટનું બિલ આવતું હોય તેમને 5,000 રૂપિયાનો વધારો છે અને જે લોકો 1 લાખ યુનિટ વાપરે છે તેમને 50,000 રૂપિયાનો વધારો છે. વીજ બીલ ભરનારા ઉદ્યોગકારો માટે આ વધારાનો બોજો છે અનાર દિવસોમાં આ અંગે અમે રજૂઆત કરીશુ.

(9:26 pm IST)