Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

શેર માર્કેટ અને ડબ્બા ટ્રેડિંગનાં નામે લોકોને છેતરતા 3 ભેજાબાજો પોલીસ ગિરફ્તમાં

માર્કેટ અને ડબ્બા ટ્રેડીંગમાં ફાયદો થશે તેવી લાલચ આપી 6.71 લાખની રકમ મેળવી બાદમાં માર્કેટમાં નુકસાન થયું હોવાનું કહી કરી છેતરપીંડી

સુરત તા. 29 : માર્કેટ અને ડબ્બા ટ્રેડીંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો ફાયદો થશે તેમ કહી લાખો રૂપિયા મેળવી બાદમાં માર્કેટમાં નુકશાન થયું કહી લોકો સાથે છેતરપિંડી કરતાં 3 શખ્સોને સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશ ખાતેથી દબોચી લીધા છે. આરોપીઓએ વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે 6,71,500ની રકમ લોકો પાસેથી ઉઘરવી હતી.

સુરતમાં સતત સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઇન સિસ્ટમ આવ્યા બાદ લોકોને રૂપિયા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાની ફરિયાદોના આધારે સુરત સાઇબર ક્રાઈમ આવા ઓનલાઈન ઠગાઈ અને છેતરપિંડી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી છે. ત્યારે સુરતના જ એક વેપારીને મધ્યપ્રદેશમાં ના ત્રણ જેટલા ઈસમો દ્વારા શેર માર્કેટમાં ડબ્બા ટ્રેનિંગમાં લોભ અને લાલચ આપી સારું વળતર મળશે તેવું કહીને વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે 6,71,500 રૂપિયા મેળવી લીધા બાદ શેર બજારમાં મોટી નુકસાની કરી તેમની સાથે છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ સામે આવી હતી.

આરોપી વિકાસ શર્મા, રૂદ્ર ઉર્ફે સોનુ અને હર્ષ વર્ધને પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરિયાદીને ફોન કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો ફાયદો થશે. તેવી લોભામણી લલચામણી વાતો કરી ફરીયાદી પાસેથી ડીમેટ એકાઉન્ટનું યુઝરનેમ તથા પાસવર્ડ મેળવી લઇ તેમાં શરૂઆતમાં નફો કરાવી વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે 6,25,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ આ ઇસમોને ફરિયાદીને નુકસાન કરાવ્યુ હતું.

ત્યારબાદ ડબ્બા ટ્રેડીંગમાં સારો નફો થશે તેવું જણાવી આ કામના ફરીયાદીના નામનું ડબ્બા ટ્રેડીંગનું એકાઉન્ટ બનાવી તેમાં રૂપીયા પાંચથી સાડા પાંચ લાખનો નફો થયાનું જણાવી નફાના રૂપીયા મેળવવાના ચાર્જ પેટે બીજી વખત આરોપીઓએ 45000 રૂપિયા પડાવી લીધા હતા . આમ આરોપીઓએ ફરિયાદી સાથે કુલ 6,71,500ની છેતરપિંડી કરી હતી.

તેથી આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સુરત સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ્સ સર્વેલન્સના આધારે આરોપી અનિલ ઉર્ફે અર્જુ સંતોષ ધાકડ, કુંદન રમેશચંદ્ર ધાકડ અને જીતેન રૂપસીંગ નાગરની ધરપકડ કરી છે અને તમામ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

(9:27 pm IST)