Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ભદામ ગામે યોજાયેલ રાત્રિ સભામાં મતદાર યાદી અને ઇ-એફ.આઇ.આર અંગે લોકોને માહિતગાર કરાયા

નાયબ કલેકટર એન.યુ.પઠાણની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજની વિશાળ ઉપસ્થિતિ : નાગરિકોને ઓનલાઇન મતદાર નોંધણી અને વોટર હેલ્પલાઇન એપના ઉપયોગની અપાયેલી જાણકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં રાત્રિ સભાના આયોજનના ભાગરૂપે નાંદોદ તાલુકાના ભદામ ગામે જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા ભદામ પ્રાથમિક શાળાના પટાગંણમાં રાત્રિ સભા યોજાઇ હતી. આ તબક્કે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની રાહબરીમાં હાલમાં ચાલી રહેલા મતદાર જાગૃત્તિ અભિયાનની સઘન ઝુંબેશ અન્વયે સભામાં ઉપસ્થિત ચૂંટણી શાખાના અધિકારીઓએ ગામ લોકોની સમક્ષ નવા મતદારો, ચૂંટણી કાર્ડ, મતદારના નામની સુધારણા અને નવા નામના ઉમેરા માટેની સમજ પૂરી પાડી મતદારી યાદીનું મહત્વ સમજાવ્યું હતું.
    ભદામ ગામે જિલ્લા પુરવઠા અધિકારી અને મધ્યાહન ભોજન યોજનાના ઈન્ચાર્જ નાયબ કલેકટર એન.યુ.પઠાણ, નાંદોદના પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, મામલતદાર પી.એલ .ડિંડોડ  તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને માંગણી મુજબના કામોનું સત્વરે ઉકેલ લાવી જનભાગીદારીથી લોકસુખાકારીના કાર્યો કરવા માટેની ગ્રામજનો સમક્ષ પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઇ હતી. વિવિધ વિભાગના અધિકારીઓએ લોક ઉપયોગી યોજનાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
   હાલમાં જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકોની સરળતા માટે ઇ-એફ.આઇ.આરને પણ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે તેનો જાહેર જનતા કેવી રીતે લાભ લઇ શકે તે અંગે પણ પોલીસ વિભાગના અધિકારી ઓએ વિસ્તૃત જાણકારી આપવાની સાથે જરૂરી સહિત્ય વિતરણથી ગ્રામજનોને માહિતગાર કરાયાં હતાં. સાથોસાથ ચૂંટણી પંચની વેબ સાઇટ પર ઘરબેઠા મતદાર પોતે નોંધણીનું ફોર્મ કેવી રીતે ભરી શકે અને ઓનલાઇન મતદાર નોંધણી કરાવી શકે તથા વોટર હેલ્પલાઇન એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ વિસ્તૃત સમજ સાથે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

(10:36 pm IST)