Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

હવે રાજ્યમાં મેઘરાજા વિરામ લેશે :આગામી 5 દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની શક્યતા નહીં

અમદાવાદ :રાજ્યમાં હવે મેઘરાજા ટૂંકો વિરામ લેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત છે. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે. સાંજના સમયે વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જો કે હાલ મેધરાજાએ ટૂંકો વિરામ લીધો છે, ત્યારે મોટાભાગના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા રાહત થઈ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. હાલના દિવસોમાં જો કદાચ વરસાદ પડશે તો પણ હળવો ધીમી ધારનો વરસાદ પડશે, તો કેટલાક વિસ્તારોમા વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવા મળશે. જેમા પવન ફુંકાવાની શક્યતા છે.

છેલ્લા એક મહિનાથી ભારે વરસાદને કારણે લોકો પણ અસ્તવ્યસ્ત બન્યા છે. જેમા ખાસ કરીને નવસારી, ગીરસોમનાથ કચ્છમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હાલ વરસાદમાંથી થોડી રાહત મળતા લોકોને જનજીવન થાળે પાડવામાં થોડી મદદ મળી રહેશે. આપને જણાવી દઈએ કે નવસારીમાં ભારે વરસાદે સર્જેલી તારાજી બાદ અનેક લોકોનું NDRF દ્વારા રેસક્યુ કરવાની ફરજ પડી હતી. લોકોના જાનમાલને પારવાર નુકસાન પહોંચ્યુ હતુ. અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થતા તમામ ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. લોકો રાતોરાત બેઘર બની ગયા હતા. કાવેરી નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

(11:53 pm IST)