Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

શાહીન વાવાઝોડાના સંકટ વચ્ચે રાજ્યમાં અવિરત વરસાદથી અનેક સ્થળોએ જળબંબોળ

ભરૂચમાં 7 અને હાંસોટમાં સાડા છ ઈંચ વરસાદથી જળબંબાકાર: ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 17 ટીમો ડિપ્લોય કરાઈ : ઉકાઈ ડેમની સપાટી વધીને 341.36 ફૂટ

અમદાવાદ : ગુજરાતના માથે હાલ શાહિન વાવાઝોડનું સંકટ મંડળાઈ રહ્યું છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. જો કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જે પાછલા 30 વર્ષની રાજ્યની સરેરાશ 840 મી.મી.ની સરખામણીએ 90 ટકા છે.

રાજ્યના 206 ડેમોમાં 4 લાખ 46 હજાર 45 મિલિયન ક્યુબિક ફિટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે કુલ સંગ્રહશક્તિના 80 ટકા છે. હાલ રાજ્યમાં 96 જળાશયો હાઈ એલર્ટ પર છે તો 9 જળાશય એલર્ટ પર છે. તેમજ 13 જળાશય વોર્નિંગ પર છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ કરજણ ડેમના 9 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે અને 1.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, તંત્ર દ્વારા આગળના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સુરત માટે સતત ખતરાની ઘંટી સમાન રહેતા ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસમાં સતત વધતાં વરસાદના કારણે વધી રહી છે. ઉકાઈની સપાટીને જાળવી રાખવી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સાથે જ આવક વધતાં જાવક પણ વધારી દેવામાં આવી છે. બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી વધીને 341.36 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક 3,10,523 ક્યુસેક નોંધાઈ છે. જેની સામે ડેમમાંથી આઉટ ફ્લો 2,05,755 કરવામાં આવ્યો છે. જો કે, ડેમમાંથી 2.50 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવે તો સુરતના નીચાણવાળા રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં પાણી ભરાઈ શકે

ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ભરુચમાં 7 ઇંચ વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે બીજી બાજુ હાંસોટમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. જો કે, ભારે વરસાદને પગલે અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી.

અમરેલીના જાફરાબાદમાં 109 મિ.મી, ભરૂચમાં 102 મિ.મી., અમરેલીના રાજુલામાં 83 મિ.મી., ભાવનગરના જેસરમાં 83 મિ.મી. અને પાલિતાણામાં 75 મિ.મી., ભાવનગર તાલુકામાં 64 મિ.મી., તળાજામાં 63 મિ.મી, ગારિયાધારમાં 48 મિ.મી અને ઘોઘામાં 43 મિ.મી, ભરૂચના હાંસોટમાં 63 મિ.મી, અંકલેશ્વરમાં 55 મિ.મી., વાગરામાં 45 મિ.મી., ઝગડિયામાં 35 મિ.મી., વાલિયામાં 35 મિ.મી. વરસાદ ખાબક્યો છે.

(9:16 pm IST)