Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મતદાર શિક્ષણ-મતદાર જાગૃતિની પ્રચાર-પ્રસારની ઉત્તમ કામગીરી કરનાર મીડિયા હાઉસને ‘નેશનલ મીડિયા એવોર્ડ-૨૦૨૧’થી સન્માનિત કરાશે

કેટેગરી મુજબ ચાર અલગ અલગ એવોર્ડ માટે મીડિયા હાઉસે આગામી તા.૨૦ નવેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

અમદાવાદ :ગુજરાતમાં  વર્ષ ૨૦૨૧ દરમિયાન મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ સંબંધિત ઉત્તમ  પ્રકારની પ્રચાર-પ્રસારની કામગીરી કરનાર મીડિયા હાઉસને  ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિવિધ કેટેગરીમાં ‘નેશનલ મીડિયા એવોર્ડ’૨૦૨૧ આપવામાં આવનાર છે. ચૂંટણી પંચ દ્વારા કેટેગરી મુજબ આપવામાં આવનાર જુદા જુદા ચાર એવોર્ડમાં (૧) પ્રિન્ટ મીડિયા, (૨) ઇલેકટ્રોનિક્સ મીડિયા (ટેલિવિઝન) (૩) ઇલેકટ્રોનિક્સ મીડિયા (રેડિયો) અને (૪) ઓનલાઇન (ઇન્ટરનેટ)/ સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે.  

નેશનલ મીડિયા-૨૦૨૧ મેળવવા ઇચ્છુક  મીડિયા હાઉસે વર્ષ દરમિયાન મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ અંગે કરેલી પ્રચાર-પ્રસારની કામગીરીની તમામ વિગતો સાથેની દરખાસ્ત-અરજી અંગ્રેજી ભાષામાં જ હાર્ડ તથા સોફ્ટકોપીમાં (.docx ફાઇલમાં) આગામી તા. ૨૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં કરવાની રહેશે. જેમાં સંબંધિત મીડિયા હાઉસનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ માટેનો ઉલ્લેખ કરવાનો રહેશે.
સંબંધિત મીડિયા હાઉસે એવોર્ડ માટેની અરજી-દરખાસ્ત સેકશન અધિકારી, (SVEEP Division) મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, સામાન્ય વહીવટ વિભાગ, બ્લોકનં.૭, બીજો માળ, નવા સચિવાલય, ગાંધીનગર લેન્ડ લાઇન નં. ૦૭૯-૨૩૨૫૫૭૪૬ (SVEEP branch) Email-sveepceogujarati@gmail.com મેઇલ ઉપર તેમજ હાર્ડ કોપી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત મીડિયા હાઉસ-સંસ્થાઓ પોતાની દરખાસ્ત સીધે સીધી ચૂંટણી પંચને પણ સમયમર્યાદમાં કરી શકે છે જેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે તેમ અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(8:52 pm IST)