Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એસ.આર.પી ગ્રુપ 18 ના જવાનોના પરિવારજનો પડતર પ્રશ્નો મુદ્દે સૂત્રોચ્ચાર સાથે રોડ પર ઉતર્યા

31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારી વચ્ચે એસ.આર.પી ગ્રુપ 18 ના પરિવારના સભ્યોએ આંદોલન ચાલુ કરતા તંત્ર ચિંતામાં મુકાયું

અમદાવાદ : પોલીસ કોન્સટેબલો, હેડ કોન્સટેબલો તેમજ એ.એસ.આઇ ગ્રેડ-પે સહિત અન્ય માંગો મુદ્દે સોશિયલ મીડિયામાં આંદોલન ચલાવી રહ્યાં હતાં.એમની સાથે ગુજરાતના વિવિધ વિસ્તારના પોલીસ જવાનોના પરિવારજનોએ પણ આંદોલન શરૂ કર્યું હતું.

પોલીસ જવાનોના સમર્થનમાં પરિવારના સભ્યોનું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ  પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી હતી.

આ તમામની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના અન્ય પ્રવાસન સ્થળોની સુરક્ષા કરી રહેલા એસ.આર.પી ગ્રુપ 18 ના જવાનોના પરિવારજનો પોલીસ જવાનોનો પડતર પ્રશ્નો મુદ્દે સૂત્રોચ્ચાર સાથે રોડ પર ઉતરી આવ્યા હતા, એસ.આર.પી ગ્રુપ 18 ના પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર પોલિસની માંગો પુરી નહિ કરે ત્યાં સુધી પોલીસ પરિવારના સભ્યો આંદોલન ચાલુ રાખશે.

દેશના અન્ય રાજ્યોની પોલીસ કરતા ગુજરાત પોલીસ જવાનોના ગ્રેડ પે માં ફરક હોવાથી સરકારના ગુજરાત પોલીસ જવાનો સાથે ઓરમાયું વર્તન સામે પોલીસ પરિવારના સભ્યોમાં ભારે રોષ ફેલાયો હતો.

એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  ગૃહમંત્રી અમિતભાઈ  શાહની ઉપસ્થિતિમાં 31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવાની છે, તંત્ર એની તૈયારીમાં લાગ્યું છે તો બીજી બાજુ એસ.આર.પી ગ્રુપ 18 ના પરિવારના સભ્યોએ આંદોલન ચાલુ કરતા તંત્ર ચિંતામાં મુકાયું હતું.

જો કે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર આવી એસ.આર.પી ગૃપ 18 ના પરિવારના સભ્યોને સમજાવતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો.પણ હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તૈનાત એસ.આર.પી ગ્રુપ 18 જવાનોના પરિવારજનો આંદોલનને આગળ વધારે છે કે કેમ.

(8:53 pm IST)