Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સુરત બાદ હવે વડોદરા શહેરને ભિક્ષુકમુક્ત બનાવાશે

ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી પગભર બનાવવાનો નિર્ણય

વડોદરાઃ રાજ્યમાં સુરત બાદ હવે વડોદરા શહેરને ભિક્ષુકમુક્ત કરવામાં આવશે. વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી મનિષા વકીલના અધ્યક્ષસ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેરમાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરેને 100 દિવસમાં ભિક્ષુક મુક્ત કરીશું, તેમને રોજગારી આપીને પગભર બનાવીશું. સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ ભિક્ષુકોને આવરી લઇને તેમનું જીવન બહેતર બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. વડોદરા શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને સમાજ સુરક્ષા તથા પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવશે અને રાઉન્ડઅપ કર્યાં બાદ તેમને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિયત કરાયેલા આશ્રયસ્થાનો પર ભિક્ષુકોને રાખ્યા બાદ ત્યાં તેમને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કેળવણી આપવામાં આવશે. ત્યારબાદ આવા ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈ યુનિક આઇ. ડી. નંબર આપી પગભર થવા યોજનાઓનો લાભ અપાશે. પગભર થયા બાદ ભિક્ષુકોને આવાસોમાં સ્થાયી કરાશે. તેમને આત્મ નિર્ભર અને સમાજ સ્થાપિત કરવા કૌશલ્યોની તાલીમ આપવામાં આવશે. હાલમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં 70 વ્યક્તિની ક્ષમતાવાળું ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર છે.રાજ્યના મેટ્રો શહેરોમાં આવેલા આવા કેન્દ્રોના નવિનીકરણનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા ભિક્ષુકો જો બહારથી આવતા હોય તો તેમને તેમના વતનમાં પરત મોકલાશે અને જો પગભર થયેલા ભિક્ષુકો ફરી ભિક્ષા વૃત્તિ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

(9:20 pm IST)