Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કોરોનાના એક વર્ષમાં જ ગુજરાતમાં ૭૦૦૦ જેટલા નવા મેડિકલ સ્ટોર ખુલ્યા

દવા કંપનીઓ અને મેડિકલ સ્ટોરનાં લાઇસન્સમાં વિક્રમી વધારો

નવી દિલ્હી, તા.૨૯: કોવિડની મહામારી દરમ્યાન ગુજરાતમાં દવા બનાવતી કંપનીઓ અને મેડીકલ સ્ટોરના લાયસન્સમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. છેલ્લા પોણા બે વર્ષથી રાજયની જનતા મહામારીથી બચવા માટે હોસ્પિટલ અને દવાની દુકાનોએ ચક્કર કાપી  રહી છે ત્યારે રાજયમાં વિક્રમ ગતિએ મેડીકલ સ્ટોરની સંખ્યા વધી છે.

ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરના આંકડા પ્રમાણે રાજયમાં મહામારી દરમ્યાન એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફાર્મા કંપનીઓને છેલ્લા ત્રણ વર્ષમાં કમિશનરેટ તરફથી સરેરાશ ૩૫૦ થી ૪૫૦ની સંખ્યામાં લાયસન્સ આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષમાં એલોપેથિક દવાઓના નિર્માણ માટે ૫૩૨ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

કોવિડની મહામારી દરમ્યાન ઇમ્યૂનોસેપ્રેસિવ દવાઓ, વિટામીન અને એન્ટીવાયરલ દવાઓની વધતી માગણીના કારણે લાયસન્સ ઇસ્યૂ કરવાની સંખ્યા વધી ગઇ છે. સામાન્ય રીતે લાયસન્સ પ્રાપ્ત કર્યા પછી ફાર્મા કંપની ચાર થી છ મહિનામાં દવાનું ઉત્પાદન શરૃ કરતી હતી પરંતુ આ સમયમાં લાયસન્સ ઇસ્યુ કર્યાના એક સપ્તાહમાં દવાનું ઉત્પાદન શરૃ કરવામાં આવે છે.

કમિશનરેટ તરફથી ૨૦૧૯-૨૦ના વર્ષમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે ૬૦ લાયસન્સ ઇસ્યુ કર્યા હતા પરંતુ ૨૦૨૦-૨૧માં આ સંખ્યા ૭૬ની નોંધાઇ છે. એવી જ રીતે મેડીકલ સ્ટોરના લાયસન્સની સંખ્યા પણ વધી છે. કમિશનરેટ દ્વારા ૨૦૨૦-૨૧ના વર્ષમાં રાજયમાં મેડીકલ સ્ટોરના કુલ ૭૦૦૦ લાયસન્સ ઇસ્યુ કર્યા છે જે આગલા વર્ષે ૪૩૦૦ હતા.

માર્ચ ૨૦૨૦ના અંતિમ સપ્તાહ પહેલાં લોકડાઉન દરમ્યાન મેડીકલ સ્ટોર અને આવશ્યક ચીજવસ્તુઓને બાદ કરતાં મોટા ભાગના વ્યવસાય બંધ રહ્યા હતા.

બીજી તરફ ઇમ્યૂનોસપ્રેસિવ દવાઓનું વેચાણ વિક્રમી ગતિએ વધ્યું હતું જેના કારણે યુવા વ્યવસાયયિઓએ બીજો વ્યવસાય શરૃ કરવાની જગ્યાએ મેડીકલ સ્ટોર ખોલવાનું શરૃ કર્યુ હતું. જેનાથી તેમની રોજીરોટી જળવાઇ રહી છે.

(10:23 am IST)