Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સી. એમ. ડેશ બોર્ડમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા પ્રથમ

પાટણના પટોળા અને પંચાયતનો વહીવટ વખણાયો

રાજકોટ તા. ર૯ :..  રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં નાગરિકોની સેવાઓ અને યોજાનાકીય સિધ્ધિઓ તેમજ પડતર પ્રશ્નોની દેખરેખ રાખવા મુખ્યમંત્રીશ્રીના સીધા દેખરેખ હેઠળ સી. એમ. ડેશ બોર્ડ કાર્યરત છે. જેમાં ઓકટોબર-ર૧ માં જિલ્લા વિકાસ અધિકારી પાટણ, રમેશ મેરજાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તે બદલ તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૯૭૮૪ ૦૬ર૪૩) થઇ રહી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રમેશ મેરજાના માર્ગદર્શન હેઠળ સુશાસન અને ઇ-ગર્વનર્સના ભાગરૂપે પાટણ જિ. પં. તંત્ર દ્વારા જિલ્લામાં ચાલતી વિવિધ ગરીબ લક્ષી તથા મહિલા લક્ષી યોજના ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો. જિલ્લા પંચાયત તંત્ર દ્વારા  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી પ્રધાન મંત્રી આવાસ યોજના, મનરેગા, યોજના, મિશન મંગલમ જેવી યોજનાઓમાં  અથાગ પ્રયત્ન કરી, ગ્રામ્ય લેવલે પહોંચી લોકોની અરજીઓનો તાત્કાલીક નિકાલ થાય તથા ૧૦૦ ટકા લક્ષાંક - સિધ્ધી થાય તેવા પ્રયત્ન હાથ ધરી સદરહુ યોજનાઓમાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નિશ્ચિત માપદંડ પૂર્ણ કરવા સવિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા.

પંચાયતના ત્રણેય સ્તરે વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે સતત પ્રયત્ન કરી ૧પનું નાણાપંચ તથા અન્ય યોજનાના કામો શરૂ કરાવવા માટે કરેલ પ્રયત્નો, વંચિતોને મફતગાળાના પ્લોટ ફાળવણી, સિંચાઇ, પશુપાલન, આઇ. સી. ડી. એસ., ખેતીવાડી તથા આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલીકરણ કરી, પંચાયત તંત્રએ સંકલનથી કામગીરી કરી સરકારી સેવાઓ અને યોજનાઓની કામગીરીમાં સવિશેષ સુધારો કરેલ જેના પરિણામે સી. એમ. ડેશબોર્ડમાં સમગ્ર રાજયમાં પ્રથમ રેન્ક મેળવવામાં જિલ્લા વિકાસ અધિકારી પાટણે સફળતા મેળવેલ.

સી. એમ. ડેશ બોર્ડ ઉપર પંચાયત, ગ્રામ વિકાસ, પશુપાલન, શિક્ષણ, ખેતીવાડી જેવા વિવિધ વિભાગોની પ૪ જેટલી સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે. સી. એમ. ડેશબોર્ડ પર પાટણ જિલ્લા પંચાયતને પ્રથમ રેંક મળતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રમેશ મેરજા દ્વારા સમીક્ષા બેઠકમાં જિલ્લાના તમામ કર્મચારીઓ તથા અધિકારીઓને અભિનંદન પાઠવી જિલ્લા પંચાયતની કામગીરી દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ રાખવા અને ટીમવર્કની ભાવનાથી પ્રજાલક્ષી કામગીરી કરવા તથા જિલ્લાનો પ્રથમ હરોળ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.

(10:45 am IST)