Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

હું કયાંય પ્રદેશ પ્રમુખની રેસમાં નથી, પક્ષ જેને પ્રમુખ બનાવશે તેની સ્વીકારીશુઃ અર્જુનભાઇ મોઢવાડીયા

પ્રમુખપદ માટે અલગ-અલગ નામોની ચર્ચા વચ્ચે કોંગ્રેસના સિનીયર નેતાનું નિવેદન

અમદાવાદ, તા.૨૯: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા સહિતના હોદેદારોની નિમણૂંક માટે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાથે બેઠક થઇ રહી છે અને પ્રમુખ પદ માટે અલગ-અલગ નામો ચર્ચાઇ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, હું કયાં પ્રદેશ પ્રમુખની રેસમાં નથી પાર્ટી જેને પણ પ્રમુખ બનાવશે તેનો સ્વીકાર કરીશું.

રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં તેમણે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તથા વિરોધપક્ષના નેતાની દિવાળી પહેલા જાહેરાત કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાઇકમાન્ડ કોને આ જવાબદારી સોંપશે તેનો કોંગ્રેસના નાના કાર્યકરથી લઇ ઉચ્ચ નેતાઓ સુધી તમામને ઇન્તેજાર છે. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ હાઇકમાન્ડ હાલની ફોર્મ્યુલા મુજબ પ્રમુખ ઓબીસી સમાજમાંથી તથા વિરોધપક્ષના નેતા પાટીદારમાંથી કોઇ ધારાસભ્યને બનાવે તેવી શકયતા છે.

અગાઉ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવામાં આવશે તેની ચર્ચા વહેતી થઇ હતી. આથી કોંગ્રેસના સિનિયર આગેવાનોએ નારાજગી વ્યકત કરી. જો હાર્દિક પટેલને પ્રમુખ બનાવાશે તો રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આથી હાઇકમાન્ડ અવઢવમાં મૂકાયું હતુંફ પરિણામે કોઇ ઓબીસી આગેવાનને પ્રમુખ બનાવાય તેવી શકયતા છે.

બીજી તરફ સીનીયર નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પ્રમુખ બનવાની રેસમાં સામેલ હોવાની ચર્ચા નિવેદન આપ્યું છે કે, હું કયાંય પ્રદેશ પ્રમુખની રેસમાં નથી, કોંગ્રેસ હાઇકમાન્ડ જેને પણ પ્રમુખ બનાવશે તેનો અમે સ્વીકાર કરીશું હવે ૧ વર્ષ બધા સાથે મળીને મહેનત કરીશું.

(10:58 am IST)