Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દિવાળીના તહેવારોમાં સાવચેતી નહીં રાખો તો કોરોનાની ત્રીજી લહેર આવશેઃ કેરળ-મહારાષ્‍ટ્રથી આવતા લોકો માટે આરટી પીસીઆર ટેસ્‍ટ ફરજીયાત કરવો જોઇએઃ અમદાવાદ મેડિકલ એસોસિએશનની ચેતવણી

રાજ્‍ય અને વિદેશમાં પણ કોરોના કેસ વધતા સાવચેતી જરૂરી

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે તબીબોએ ગંભીર ચેતવણી આપી છે. તબીબોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દિવાળીના તહેવારમાં સાવચેતી નહીં રાખો તો ત્રીજી લહેર આવી શકે છે. જેથી સાવચેતી રાખવા અમદાવાદ મેડિકલ એસોસિએશનએ સરકારને અને લોકોને અપીલ કરી છે. સાથે જ કહ્યુ કે, કેરળ, મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવા જોઈએ.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી ડો. સાહિલ શાહે કહ્યું કે, ગુજરાતમાં કેરળ, મહારાષ્ટ્રીથી આવતા લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરો. હાલ દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે નીકળ્યા છે. ત્યારે બહારથી આવતા લોકો પર પણ ધ્યાન રાખવુ જરૂરી છે. દિવાળીમાં બહાર જતા લોકોને તકેદારી રાખવી જરૂરી છે. નહિ તો ફરી કોરોના માથું ઉંચકી શકે છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. અન્ય રાજ્ય અને વિદેશમાં પણ કોરોના કેસ વધ્યા છે, જેના પગલે સાવચેતી જરૂરી છે.

આ શહેરે આરટીપીસીઆર કમ્પલસરી બનાવ્યો

હાલ કોરોનાએ જે રીતે દક્ષિણ ગુજરાતમાં માથુ ઉચક્યુ છે તે જોતા ગુજરાતના એક શહેરે એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં દિવાળીએ બહારથી આવનારાઓને RTPCR કરાવવો પડશે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ દિવાળીમાં શહેર બહારથી આવનારાને  RTPCR કરી લેવાની અપીલ કરી છે. સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળીમાં વતન જશે. તેથી સાવચેતીના ભાગ રૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ વિશે એસએમસીના સ્વાસ્થય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે, બહારથી આવનારા તમામ માટે તપાસ અનિવાર્ય છે. ભલે તેઓએ કોવિડ 19 ની વેક્સીનના બંને ડોઝ લીધા હોય. હાલમાં જ જેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો છે તેમને આ નિર્ણયમાંથી મુક્તિ મળશે. બહારથી સુરત આવનારાઓના આરટીપીસીઆર તપાસવા માટે એરપોર્ટ, બસ ડેપો તથા હાઈવેના એન્ટ્રી પોઈન્ટ પર ટીમ તૈનાત કરવામા આવશે.

(4:15 pm IST)