Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

વડોદરાના વારસિયા વિસ્‍તારનો યુવક પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન માટે કેનેડા ગયો અને ક્‍લિફ જમ્‍પિંગ સમયે પાણીમાં ડુબી જતા મોત થતા પરિવારમાં અરેરાટી

મિત્રો સાથે રમત રમતી વખતે મૃત્‍યુ થયુઃ સાંસદના પ્રયત્‍નોથી મૃતદેહ વડોદરા લવાશે

વડોદરા: કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબી જતાં 23 વર્ષના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. વડોદરાના વારસિયા વિસ્તારનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા ગયો હતો. તેના પિતા વારસિયામાં કપડાની દુકાન ધરાવે છે. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. સાંસદના પ્રયત્નોથી શુક્રવારે મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

વડોદરાના વારસિયાની ઈન્દ્રલોક સોસાયટીમાં રહેતા સુનિલભાઈ મખીજા ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવે છે. તેમનો મોટો પુત્ર રાહુલ કેનેડાના ટોરેન્ટો ઓન્ટેરિયા ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ રાહુલને ત્યાં જ નોકરી મળી ગઈ હતી. અભ્યાસ પૂર્ણ થતા જ તે મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિમી દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો. 20 ઓક્ટોબરના રોજ તે મિત્રો સાથે રમતમાં વ્યસ્ત હતો. તે પર્વત પર ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત રમતો હતો. જ્યાં કૂદકો મારતા જ રાહુલ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

વડોદરામાં રહેતા તેના માતાપિતાને તેના મોતના સમાચાર મળતા જ તેઓ ભાંગી પડ્યા હતા. માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈ એ જમવાનું છોડી દીધું હતું. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને આ વિશે જાણ થતા જ તેઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે રાહુલના મૃતદેહને કેનેડાથી જલ્દી લાવવા માટે પ્રયાસો કર્યા હતા. રાહુલના મૃતદેહને કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા વડોદરામાં લાવવામાં આવશે. જોકે, મંજૂરી અને ટેકનિકલ કારણોને કારણે રાહુલના મૃતદેહને વડોદરા લાવવામાં મોડુ થયુ હતુ, પરંતુ રંજનબેનના પ્રયાસોથી હવે તે જલ્દી થશે.

ગત જાન્યુઆરી મહિનામા જ રાહુલ વડોદરા આવ્યો હતો, ત્યારે તેના માતાપિતાએ તેને અંતિમ સમયે જોયો હતો. તેમને ખબર ન હતી કે, તેઓ રાહુલને છેલ્લીવાર જોઈ રહ્યાં છે. આજે રાહુલનો મૃતદેહ વડોદરા આવી જશે.

(4:18 pm IST)