Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કોરોના વેક્સિનેશન ક્ષેત્રે ગુજરાતની આગવી સિદ્ધિ : 7 કરોડ 1 લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા

પ્રતિ દસ લાખે બે ડોઝના લાભાર્થીએ ૭ લાખ ૧૦ હજાર વેક્સિન ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર રહેતું ગુજરાત

અમદાવાદ :  વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે આરોગ્ય રક્ષા કવચ માટેના વેક્સિનેશન, રસીકરણ અન્વયે ગુજરાતે ૭ કરોડ ૧ લાખથી વધુ ડોઝ આપીને આગવી સિદ્ધિ મેળવી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના  અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ વિગતો આપતાં જણાવ્યું છે કે, તા.ર૯ ઓક્ટોબર-ર૦ર૧ શુક્રવાર સુધીમાં રાજ્યમાં તમામ વયજૂથોના ૪ કરોડ ૪૬ લાખ ૪૯ હજાર લાભાર્થીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે.
એટલું જ નહિ, ર કરોડ પ૪ લાખ પ૬ હજાર ૩૮ર લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. સમગ્રતયા રાજ્યમાં ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા છે.
અધિક મુખ્ય સચિવએ વધુ વિગતોમાં જણાવ્યું છે કે, ગુજરાતે પ્રતિ દસ લાખે બે ડોઝના લાભાર્થી એટલે કે પર મિલીયન વેક્સિનેશનમાં ડબલ ડોઝ અન્વયે ૭,૧૦,૮૮૦ ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે.
રાજ્યભરના ૧પ,૪૬૭ ગામડાઓ, પ૦૩ પ્રાથિમક આરોગ્ય કેન્દ્રો, ૩૧ શહેરી આરોગ્ય કેન્દ્રો તથા ૬૭ તાલુકાઓમાં ૧૮ વર્ષથી ઉપરની વયના પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સમગ્ર દેશમાં તા.૧૬ જાન્યુઆરી-ર૦ર૧થી કોવિડ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતે દેશભરમાં પહેલ કરીને તા.૩૧મી જાન્યુઆરીથી રાજ્યમાં ફ્રન્ટ લાઇન વકર્સને વેક્સિનેશન અન્વયે આવરી લેવાની શરૂઆત કરી છે.

 

(8:08 pm IST)