Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કોમર્સ કોલેજ ગોધરા ખાતે એન. એસ. નો “ક્લીન ઇન્ડિયા -ગ્રીન ઇન્ડિયા” નો કાર્યક્રમ

સ્વચ્છતા, સિંગલ યુઝ પ્લાસ્ટિક અવેરનેસ તેમજ જનસંપર્કનો કાર્યક્રમ:એન.એસ.એસ.ના 100 ઉપરાંત સ્વયંસેવક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા

ગોધરા : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એન.એસ.એસ.વિભાગ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના સુત્ર હેઠળનો સ્વચ્છતા, સિંગલ યુઝ પ્લાસ્ટિક અવેરનેસ તેમજ જનસંપર્કનો એક સુંદર કાર્યક્રમ ગુજરાત, દીવ- દમણ અને દાદરાનગર હવેલીના રિજિયોનલ ડાયરેક્ટર ડો.ગીરધરલાલ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં એન.એસ.એસ.ના 100 ઉપરાંત સ્વયંસેવક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ પદે કોલેજ સંચાલક મંડળના પ્રમુખ અને પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી સાહેબ જ્યારે મુખ્ય મહેમાન પદે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અનિલ સોલંકી, અતિથિ વિશેષ પદે લો કોલેજ ગોધરાના આચાર્ય ડો. અપૂર્વ પાઠક તેમજ બી.એડ કોલેજ ગોધરાના આચાર્ય ડો. આર જી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના પ્રવચનમાં રીજિયોનલ ડાયરેક્ટર ડો. ગીરધરલાલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ભારત સરકારના ખેલકૂદ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત છે જે સમગ્ર દેશમાં જેટલા એન.એસ.એસ એકમો છે ત્યાં યોજાઈ રહ્યો છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જનતાને જાગૃત કરવાનો મુખ્ય આશય છે. આવું પ્લાસ્ટિક કે જેનો સરળતાથી નાશ થતો નથી અને ગૌવંશ સહિતના પશુઓ તેને ખાય છે અને ભયાનક રીતે ક્યારેક મૃત્યુ પણ પામે છે .આ અંગે એન.એસ.એસ.ના સ્વયંસેવકો મારફતે સમગ્ર જનતાને જાગૃત કરવાનો આશય સાથેનો આ કાર્યક્રમ છે જે આગામી સમયમાં આવા પ્લાસ્ટિકની ગંભીર અસરથી જનતાને કેવી રીતે બચાવી શકાય તે માટેનો છે.

(9:24 pm IST)