Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ગુજરાત પોલીસના ગ્રેડ પે બાબતે સોશ્યલ મિડીયાના માધ્યમથી ગેરમાર્ગે દોરી રહેલા તત્ત્વો સામે કડક કાર્યવાહી

ફુલ-૨૨૯ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધમાં પ્રાથમિક તપાસની કાર્યવાહી :પોલીસ વિભાગના કર્મચારી તથા અન્ય વ્યકિતઓ મળી કુલ-૨૭ આરોપીઓ વિરૂધ્ધમાં કુલ-૧૦ ગુનાઓ રાજયના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે દાખલ કરાયા

ગાંધીનગર:હાલમાં ગુજરાત પોલીસના ગ્રેડ પે વધારો કરવાના આંદોલન અનુસંધાને સોશ્યલ મીડિયામાં અમુક લોકો દ્વારા ખોટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ, પોસ્ટર, કોમેન્ટ વિગેરે દ્વારા પોલીસ કર્મચારીઓમાં ઉશ્કેરણી કરવાના પ્રયત્નો કરનારા વ્યક્તિઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. તથા આ બાબતે રાજય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા આદેશ આપેલ છે.
રાજ્યના પોલીસ વિભાગના કર્મચારીઓના કોઇ પ્રશ્નો કે મુશ્કેલીઓના નિરાકરણ કરવાના હેતુથી તથા તેની રજૂઆત યોગ્ય માધ્યમથી થઇ શકે તે માટે પોલીસ દાદ-ફરિયાદ નિવારણ સમિતિ જેવી જોગવાઇઓ અગાઉથી અમલમાં છે. જે મુજબ આજદિન સુધીમાં રાજયના વિવિધ શહેર/ જીલ્લાઓ ખાતે કુલ 298 દાદ-ફરિયાદ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજય પોલીસ વડાના આદેશ અનુસાર પોલીસ દળના જવાનોની રજુઆતોના યોગ્ય નિરાકરણના ઉમદા હેતુથી આ જવાનો સાથે પોલીસ કમિશ્રર/રેન્જ વડા/પોલીસ અધિક્ષક/ સેનાપતિ SDPO વિગેરેના સ્તરે ૧૬૩ જેટલી બેઠકોનું આયોજન કરી, તેઓ સાથે ૪૮૮ જેટલા સંવાદ આયોજન કરવા ઉપરાંત થાણા ઇન્ચાર્જઓ દ્રારા પોતાના તાબાના પોલીસ કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા સારૂ ૧૬૮૯ જેટલા સંવાદ કાર્યક્રમો કરવામાં આવેલ છે.
આ સંદર્ભે ગઈકાલે ડી,જી.પી.દ્વારા તમામને અપીલ કરવામાં આવેલ છે કે પોલીસ કર્મચારીઓ અથવા તેમના પરિવારની કોઇ રજૂઆત હોય તો આ બાબતે બનાવેલ સમિતિ સમક્ષ તેને મુકે અને શિસ્ત વિરુધ્ધની કોઇ પ્રવૃતિ ન કરે, રાજ્ય પોલીસ વડાએ એમ પણ જણાવ્યુ હતુ કે જો કોઇ આ પ્રકારની પ્રવૃતિ કરશે તો તેવા લોકો વિરુધ્ધ The Police (Incitement to Disaffection) Act, 1922 & The Police-Forces (Restriction of Rights) Act, 1966 કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને પોલીસ કર્મચારી વિરુધ્ધ ખાતાકીય પગલા લેવામાં આવશે.
આ સમગ્ર બાબતે રાજય પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલ ઉપર મુજબની કાર્યવાહી છતાં આવી પ્રવૃતિમાં રાજયભરમાં અલગ-અલગ શહેર/જીલ્લાઓમાં પોલીસ કર્મચારીઓ દ્વારા શિસ્તભંગ ની પ્રવૃત્તિ જણાઇ આવેલ છે. જે અનુસંધાને ફુલ-૨૨૯ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધમાં પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ પોલીસ વિભાગના કર્મચારી તથા અન્ય વ્યકિતઓ મળી કુલ-૨૭ આરોપીઓ વિરૂધ્ધમાં કુલ-૧૦ ગુનાઓ રાજયના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે દાખલ કરવામાં આવેલ છે.

(9:47 pm IST)