Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

૮૯ બેઠક માટે ૭૮૮ ઉમેદવારો : ગુરૂવારે મતદાન : ભારે ઉત્તેજના

ત્રિપાંખિયો જંગ : ચૂંટણીપંચ સજ્જ : દિગ્‍ગજોનું ભાવિ EVMમાં કેદ થશે : આ વખતે પાટીદાર, ઓબીસી કે અનુસૂચિત જાતિના આંદોલનની અસર નથી પણ આમ આદમી પાર્ટીની એન્‍ટ્રીથી ત્રિપાંખિયો જંગ જામ્‍યો છે : ગત ચૂંટણીમાં પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લામાંથી કુલ ૪૦ શહેરી વિસ્‍તારની બેઠકમાંથી ભાજપે ૩૪ બેઠક હાંસલ કરીને સત્તાનો માર્ગ કંડાર્યો હતો :૨૦૧૭ની ચૂંટણીમાં કચ્‍છ - સૌરાષ્‍ટ્રની કુલ ૫૪માંથી ભાજપને ૨૩ અને કોંગ્રેસને ૩૦ બેઠક તથા દક્ષિણ ગુજરાતની કુલ ૩૫માંથી ભાજપને ૨૫, કોંગ્રેસને ૮ અને અન્‍યોને ૨ બેઠક મળી હતી

નવી દિલ્‍હી, તા.૨૯: ગુજરાત વિધાનસભાની કુલ ૧૮ર બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજવાની છે. જેના પ્રથમ તબક્કામાં રાજ્‍યના ૧૯ જિલ્લાની ૮૯ બેઠક માટે પહેલી ડિસેમ્‍બરે મતદાન યોજવાનું છે. જોકે, આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ કયાંય દેખાતી નથી એટલે ૯ મુખ્‍ય ટક્કર ભાજપ અને ‘આપ' વચ્‍ચે થશે એવો ભ્રમ અમદાવાદ સહિતના મોટા શહેરી વિસ્‍તારોમાં ફેલાવાઈ રહ્યો છે. વાસ્‍તવમાં કોંગ્રેસ જાણે છે કે, તેના કોઈપણ રાષ્‍ટ્રીય નેતા ગુજરાત પ્રચારમાં આવે છે ત્‍યારે તેમને મોદી કે ભાજપ વિશે થોડું ઘણું પણ ધસાતું તો બોલવું જ પડે છે અને એ બાબતને ભાજપ મુદ્દો બનાવીને તેનો લાભ શકય તેટલો ફાયદો ઉઠાવી કોંગ્રેસની મજબૂત સ્‍થિતિને  બદનામીમાં પરિવર્તિત કરે છે. અપૂરતાં સાધનોને કારણે કોંગ્રેસ તેનો બચાવ સુદ્ધાં કરી શકતી નથી અને તેથી કોંગ્રેસે આ વખતે એવો કોઈ પણ લૂઝ બોલ નંખાઈ ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખી છે.

બીજી તરફ ગુજરાતમાં શહેરી વિસ્‍તારોની બેઠકમાં કોંગ્રેસને ગમે તેટલી મહેનત કરે છતાં ભાજપની હિંદુત્‍વની વિચારસરણીની રોપણીને કારણે કોંગ્રેસ ખાસ્‍સું કાંઈ મેળવી શકતી નથી. રાજ્‍યના ગ્રામીણ વિસ્‍તારોની બેઠક પર ભાજપ-કોંગ્રેસનો વોટ શેર સરખો રહેતો હોવા છતાં કોંગ્રેસ અહીં સારું એવું કાઠું કાઢી શકે છે અને એટલે આ વખતે તેમણે આ વિસ્‍તારની બેઠક ઉપર શાંત પ્રચાર કરવાની પદ્ધતિ અપનાવી છે.

૨૦૧૭માં પ્રથમ તબક્કામાં ભાજપને ૫ જિલ્લામાંથી શૂન્‍ય બેઠક મળી હતી

ગત ૨૦૧૪ની ચૂંટણીમાં આ ત્રણ મોટા આંદોલનોની અસર એટલી વ્‍યાપક અને પ્રબળ હતી કે, આ ૧૯ જિલ્લામાંથી પાંચ જિલ્લામાં તો ભાજપનું ખાતું પણ ખુલી શકયું ન હતું. જેમાં મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, ડાંગ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. જોકે, આ વખતે તમામ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ભારે ટક્કર છે. જે પરિણામને ખાસ્‍સી અસર પહોંચાડી શકે છે.

પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચની તૈયારીઓ

૧૯ જિલ્લાની ૮૯ બેઠક માટે તા.૧ ડિસેમ્‍બરે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જેમાં કુલ ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં ૧,૨૪,૩૩,૩૬૨નુ પુરુષ, ૧,૧૫,૪૨,૮૧૧ મહિલા તથા ૪૯૭ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં ૯,૩૭૧ પુરુષ અને ૨૩૫ મહિલા મતદારો મળી ૯૬૦૬ સેવા મતદારો (સર્વિસ વોટર) ઉપરાંત પ્રથમ તબક્કામાં ૧૨૫ પુરુષ છે. અને ૩૮ મહિલાઓ મળી ૧૬૩ મતદારો મતદાન કરશે, પ્રથમ તબક્કામાં ૭૧૮ પુરુષ અને ૭૦ મહિલા મળી કુલ ૭૮૮ જેટલા ઉમેદવાર મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં ૩,૩૩૧ મતદાન મથક સ્‍થળો ઉપર ૯,૦૧૪ મતદાન મથકો આવેલા છે. ૧૧,૦૭૧ ગ્રામ્‍ય મતદાન મથક સ્‍થળો ઉપર ૧૬,૪૧૬ મતદાન મથકો તૈયાર કરાયા છે, પ્રથમ તબક્કામાં ૩૪,૩૨૪ બેલેટ યુનિટ, ૩૪,૩૨૪ કંટ્રોલ યુનિટ તથા ૩૮,૭૪૯ વીવીપેટનો ઉપયોગ કરાશે. પ્રથમ તબક્કામાં ૨૭ ૯૭૮ પ્રિસાઈઇડિંગ ઓફિસર્સ અને ૭૮,૯૮૫ પોલિંગ ઓફિસર્સ ફરજ બજાવશે.

૨૦૧૭માં સુરતની ૧૬માંથી ભાજપે ૧૫ બેઠક મેળવી હતી

ગત ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભાજપને સુરતની ૧૬માંથી ૧૫, નવસારીની ૪માંથી ૩, વલસાડની ૫માંથી ૪, ભાવનગરની ૪માંથી ૬, રાજકોટની ૮માંથી ૬ સાથે આ ૫ જિલ્લાની કુલ ૪૦માંથી ૩૪ બેઠકએ સરકાર બનાવવામાં ભરપૂર મદદ કર હતી, જો તેમ ન થયું હોત તો કદાચ ભાજપની સરકાર ભૂતકાળ બની ગઈ હોત, જોકે, આ વખતે સત્ર બદલાયું છે. ભાજપના ઉમેદવાર સારી રીતે ટક્કર આપી રહ્યાં છે. સૌરાષ્‍ટ્રના ગ્રામીણ વિસ્‍તારો અને આદિવાસી પટ્ટીની અનામત બેઠક ઉપર કોંગ્રેસ પણ પાછળ નથી પણ સુરતની ઘણી બેઠક ઉપર અને એમાં પણ આશરે ૪-૫ બેઠક ઉપર ‘આપ‘ના ઉમેદવાર પણ સહેજ પણ પાછળ દેખાતા નથી.

(10:25 am IST)