Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દહેજ મામલે પરિણીતા પર ત્રાસ ગુજારનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં દહેજ અને વહેમના કારણે મહિલાઓને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવાના કિસ્સા વધી રહ્યા છે, વટવામાં શંકા-કુશંકાના કારણે લગ્નના અઢાર વર્ષ પછી પરિણિતાનો સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની ફોન પર વાત કરતી હતી આ સમયે પતિ આવી જતાં ઉશ્કેરાઇ ગયો હતો અને તું કોની સાથે વાત કરે છે કહી ઢોર માર મારતા મહિલા સારવાર હેઠળ છે. આ બનાવ  અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ કેસની વિગત એવી છે કે  ઓઢવમાં પિયરમાં રહેતી ૨૭ વર્ષીય મહિલાએ વટવામાં રહેતા પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા, લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી, લગ્નના ત્રણ વર્ષ સુધી સારી રીતે રાખવામાં આવી હતી, ત્યારબાદ પતિ શંકા વહેમ રાખીને અવાર નવાર મારઝૂડ કરતા હતા. બીજીતરફ પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવા છતાં પત્ની પર વહેમ શંકા-કુશંકા રાખીને  ગંાળો બોલીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો. તા.૨૫ના રોજ મહિલા ઘરે હાજર હતી જ્યાં સાંજે પતિ ઘેર આવ્યા તે સમયે ફરિયાદી મહિલા ફોન પર વાત કરતી હતી જેથી તું કોની સાથે વાત કરે છે તેમ કહીને તકરાર કરી હતી અને શરીરે ગડદાપાટુનો માર મારીને પ્લાસ્ટીકની લાકડીથી માથામાં માર મારતા લોહી નીકળતાં સાસુએ મહિલાએ બચાવી હતી ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એટલું જ નહી પતિએ હવે પછી તું મારા ઘરે આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.

(5:32 pm IST)