Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પાડોશીએ પરિણીતાની છેડતી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં પાડોશી દ્વારા મુસ્લિમ પરણીતાની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. ફ્લેટના દાદર ચઢતી વખતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાડોશીએ પરણીતાનો હાથ પકડી જબરજસ્તી કરતા મદદે આવેલ તેના પતિને પણ છેડતીખોરે લોખંડના પંચ અને લાકડી વડે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદના આધારે જેપી રોડ પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી ,મારામારી, સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે, તાંદલજા વિસ્તારના મહાબલીપુરમ ખાતે આવેલ ચૈતાલી એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય પરણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૨૫ નવેમ્બરના રોજ બપોરના સુમારે તે ઘરેથી દુકાને જવા નીકળી હતી. તે સમયે ગ્રાઉન્ડ ફ્લોર પાસે પાડોશી મુજ્જફર ઉર્ફે બબલુ સૈયદએ તેનો હાથ પકડી ખેંચતાણ કરી હતી. હાથ છોડવાનું જણાવતા તેણે હાથ નહીં છોડી ઝપાઝપી કરી હતી. જેથી પરણીતાએ મદદ માટે શોર મચાવ્યો હતો. જેથી તેનો પતિ દોડી આવતા બબલુએ તેની સાથે ઝઘડો કરી પંચ તથા લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં દિલાવરખાનને માથામાં  અને પગમાં ઇજાઓ પહોંચી હતી. પતિને છોડાવવા પત્ની વચ્ચે આવતા બબલુએ તેને પણ ફટકારી હતી. સ્થાનિકો એકત્રિત થતા બબલુ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જ્યારે દિલાવર ખાન પઠાણને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાતા માથાના ભાગે ટાંકા આવ્યા છે. 

(5:33 pm IST)