Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સંબિત પાત્રાએ કહ્યું -ગુજરાતના પુત્ર માટે રાવણ શબ્દ : જનતા પાઠ ભણાવશે: તમામ વિચારધારા વિરૂદ્ધ વોટ કરો

ખડગેના નિવેદન પર ભાજપ લાલઘૂમ : સંબિત પાત્રાએ કહ્યુ-કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને રાવણ કહ્યા,આ રીતે દેશના વડાપ્રધાનને ગાળ આપવી, આ રીતની ભાષામાં વાત કરવી નિંદનીય

અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ  પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ  મોદીને રાવણ કહ્યા છે. પાત્રાએ કહ્યુ કે આ રીતે દેશના વડાપ્રધાનને ગાળ આપવી, આ રીતની ભાષામાં વાત કરવી નિંદનીય છે, આ કોંગ્રેસના વિચાર બતાવે છે. પાત્રાએ કહ્યુ કે ગુજરાતની પવિત્ર માટીને પ્રણામ છે કે તેમણે દેશને આવા સપૂત આપ્યા.

સંબિત પાત્રાએ કહ્યુ કે જે વ્યક્તિનું માન-સમ્માન આખી દુનિયામાં ફેલાયેલુ છે, તેની માટે આવા શબ્દના પ્રયોગ કરવા દેશનું અપમાન છે. સંબિત પાત્રાએ એવો પણ આરોપ લગાવ્યો કે આ નિવેદન ખડગે નહી પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નિવેદન છે. આ લોકોએ એક મહેનત કરનારા ગુજરાતીને જ્યારે મોતના સોદાગર કહ્યા હતા તો જનતાએ તેમણે જવાબ આપ્યો હતો.

ભાજપના પ્રવક્તાએ કહ્યુ કે કોંગ્રેસના એક નેતા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યુ કે પીએમ મોદીને તેમની ઔકાત બતાવી દઇશુ, તેમણે કહ્યુ કે આખી દુનિયામાં ભારત 5માં નંબરની આર્થિક શક્તિ બને છે તો તે પીએમ મોદીએ કર્યુ છે. પાત્રાએ કહ્યુ કે તેમણે તમે શું ઔકાત બતાવશો! પીએમ મોદીએ તો સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ઔકાત બતાવી. પાત્રાએ કહ્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ કેટલી સારી રીતે આગળ વધી રહ્યુ છે. એવામાં આ રીતના નિવેદન સામે આવે છે.

(9:35 pm IST)