Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ગુજરાત હાઈકોર્ટે 151 હોસ્પિટલોને ફાયર NOC માટે છેલ્લી તક આપી : મનપાને નોટિસ ફટકારવા આદેશ

ફાયર NOC ન મેળવે અને નિયમોનું પાલન ન કરે તો આ હોસ્પિટલોમાં દર્દીઓને પણ દાખલ કરી શકાશે નહિ.

અમદાવાદ : શહેરમાં ફાયર NOC ન ધરાવનાર 151 હોસ્પિટલોને નોટિસ પાઠવવાનો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે. હવે આ આદેશ પછી પણ જો 151 હોસ્પિટલો ફાયર NOC ન મેળવે અને નિયમોનું પાલન ન કરે તો આ હોસ્પિટલોમાં દર્દીઓને પણ દાખલ કરી શકાશે નહિ

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 15મી ડિસેમ્બર 2020ના રોજ આપવામાં આવેલા નિર્દેશો પ્રમાણે ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવ્યા તેનો સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું 151 હોસ્પિટલો પાસે ફાયર NOC મેળવવાનો હજી ચાર સપ્તાહ સુધીનો સમય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ કરતી રજૂઆત કરવામાં આવી હતીકે માર્કેટમાં ફાયર ઉપકરણોની તંગી હોવાથી 151 હોસ્પિટલો કદાચ ફાયર NOC મેળવી શક્યા નથી. આ તમામ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફાયર NOC મેળવવાનો પૂરતો પ્રયાસ પણ કરી રહ્યાં છે.

 અરજદાર એડ્વોકેટે રજૂઆત કરવામાં આવી હતીકે 151 હોસ્પિટલોના જે પણ માલિક હોય પણ જો આ હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના સર્જાય તો નિયમોનું પાલન ન કરવાની જવાબદારી કોની બનશે. આવા લોકો બેદરકાર નાગરિકો છે

 

અમદાવાદ શહેરમાં કુલ 2249 હોસ્પિટલો આવેલા છે જે પૈકી હાલ વર્તમાન સમય પ્રમાણે 151 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત ૩૧મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલોને ફાયર NOC અને નિયમોનું પાલન કરવા માટે જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી. જે મુજબ 15 દિવસમાં નિયમોનું પાલન કરવાનું હતું.

અમદાવાદ શ્રેય કોવિડ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર NOCનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને લીધે 8 લોકોના મોત નીપજ્યાં હતા.

(8:58 pm IST)