Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સુરતમાં કાપડની મિલમાં ભીષણ આગ, ચાર દાઝ્યાં

ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ : બ્રિગેડ કોલ જાહેર કરતા મોટી સંખ્યામાં ફાયર ફાયટર, ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને આગ કાબુમાં લીધી

સુરત, તા. ૨૯ : અશ્વિનીકુમાર વિસ્તારમાં અનેક કાપડની મિલો આવેલી છે. આજે ભવાની સર્કલ પાસે આવેલી લબ્ધિ કાપડ મિલમાં અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા સ્થિતિ વધુ ગંભીર બની ગઈ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી. આગ એટલી ભીષણ હતી કે બ્રિગેડ કોલ જાહેર કરતા મોટી સંખ્યામાં ફાયર ફાયટર અને ફાયર બ્રિગેડના જવાનો પહોંચીને આગને કાબુમાં લેવામાં કામગીરી હાથ ધરી હતી.

દિવસ દરમિયાન આગની ઘટના બની હોવાથી મિલમાં કામ કરતા કામદારો પણ અંદરની બાજુ હતા. ફાયર બ્રિગેડે આ તમામ લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી સહી સલામત બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ચાર વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

મિલમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. એટલું જ જે વિસ્તારમાં આ મિલ આવેલી છે તેની નજીકમાં ઘણી રહેણાંક સોસાયટીઓ પણ આવેલી છે. જેથી સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રીત થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ તપાસ બાદ સાચુ કારણ સામે આવશે.

આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે મિલમાં કાપડનો જથ્થો હોવાથી આગે ખુબજ ઝડપથી વિકારણ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાલામાં અમે રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે. વધુ માહિતી તપાસ દરમિયાન સામે આવશે.

(9:17 pm IST)