Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ફિલ્મ પ્રોડ્યુસર યુવતીનું ઇન્સ્ટા એકાઉન્ટ બનાવી : તેણીના મિત્રો સાથે વાતચીત કરી: સાયબર સેલે ગુનો દાખલ કર્યો

આરોપીએ યુવતીના સર્કલમાં રિકવેસ્ટ મોકલી :યુવતીના ફોટા અપલોડ કર્યા

 

અમદાવાદ :શિવાય ફિલ્મ મીડિયા પ્રોડક્શન હાઉસ ધરાવી ફિલ્મ પ્રોડ્યૂસર તરીકે કામ કરતી શહેરની 30 વર્ષીય યુવતીના નામે આરોપીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી ફિલ્મ પ્રોડ્યુસર યુવતીના ફોટો અપલોડ કર્યા હતા. ફિલ્મ પ્રોડયુસર યુવતીના સર્કલમાં આરોપીએ રિકવેસ્ટ મોકલી યુવતીના નામે અનેક લોકો સાથે વાતચીત કરી હતી. સાયબર સેલે શુક્રવારે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો

શહેરના નવા વાડજમાં હરીઓમ એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય સેજલ અમરસિંહ સકતાવત શિવાય ફિલ્મ મીડિયા હાઉસ ધરાવી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે. સેજલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ તેના નામે એકાઉન્ટ બનાવી તેના ફોટો અપલોડ કરવા અંગે સાયબર સેલમાં ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ સેજલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોવાથી તેના કામકાજની અમુક વિગતો શેર કરવા જુદી-જુદી સોશિયલ મિડીયા સાઈટ એપ્લિકેશન ઉપર એકાઉન્ટ ધરાવે છે. ગત તા. 1-9- 2020ના રોજ સેજલને તેના મિત્ર દેવન બ્રહ્મભટ્ટે ફોન કરી જાણ કરી કે, તારા નામના અન્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી છે. સેજલે આ અંગે તપાસ કરતાં કોઈ અન્ય વ્યક્તિએ તેના નામનો ઉપયોગ કરી ઈસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટો અપલોડ કર્યા હતા. આ વ્યક્તિ સેજલના એકાઉન્ટને ફોલો કરતો હતો.

સેજલે મિત્ર વર્તુળમાં તપાસ કરતાં આ અજાણી વ્યક્તિએ તેના મિત્રો સાથે તેના નામે ચેટીંગ કર્યું હોવાનું અને ફોન પર વાતચીત કાર્યાની વિગત મળી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર ઈસ્ટાગ્રામ સંપર્ક દ્વારા કામકાજ બાબતે વાતચીત થતી હોવાથી અજાણી વ્યક્તિએ તેમના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી તેની છબીને નુક્સાન પહોંચાડતું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે સેજલ સકતાવતે ગત તા. 23-9-2020ના રોજ અમદાવાદ શહેર સાઈબર સેલમાં અરજી આપી હતી. અરજી આધારે સાયબર સેલએ શુક્રવારના રોજ સેજલ સકતાવતની ફરિયાદ આધારે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(12:19 am IST)