Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

'વસંતોત્સવ' વિષય પર ચિત્ર સ્પર્ધાઃ બાળ ચિત્રકારોને રોકડ ઈનામ જીતવાની તક

૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશેઃ જિલ્લા કક્ષાની સ્પર્ધા ૧૪ ફેબ્રુઆરીના રોજ યોજાશે

 રાજકોટ, તા.૩૦, ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી,સુરતના સહયોગથી 'વસંતોત્સવ' વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ૧૪ ફેબ્રુ.ના રોજ યોજાશે. જેમાં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે.

કોરોના મહામારીને ધ્યાને લેતાં સોશ્યલ ડિસ્ટનિંગ જળવાઈ રહે એ માટે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ એ-ફોર સાઈઝના ડ્રોઈંગ પેપર પર 'વસંતોત્સવ' વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ચિત્રના પાછળના ભાગે સ્પર્ધકે પોતાનું નામ, સરનામું મો.નંબર, લખીને તા. ૧૪ ફેબ્રુ.સુધી બપોરે ૧૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રાજકોટ શહેર, ૭/૨, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે. આ કૃતિની સાથે સ્પર્ધકના આધારકાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે.

 રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાં ૧૦ વિજેતાની પસંદગી કરવામાં થશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ. રપ,૦૦૦, દ્વિતીય રૂ.૧૫,૦૦૦, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને પ્રતિ વ્યકિત રૂ. ૫,૦૦૦ મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(2:36 pm IST)