Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ડાંગ અને નવસારી જીલ્લાના લોકો માટે ખુશખબરઃ વધઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ ન કરવા નિર્ણય લેવાયો

ડાંગ: ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી જોવા મળી હતી. સાથે જ નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન બંધ થતા લોકો નારાજ થયા હતા અને ટ્રેન બંધ ન કરવા મામલે લડત આપી હતી. ત્યારે તેમની આ લડતનો સુખદ અંત આવ્યો છે. નવસારી અને ડાંગ જિલ્લા માટે સારા સમાચાર એ છે કે, વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય.

રેલ મંત્રાલયે ચર્ચગેટના જનરલ મેનેજરને પત્ર લખી આ માહિતી આપી છે. પશ્ચિમ રેલવે વિભાગમાં આવતી 11 ટ્રેન પૈકી ગુજરાતની ૩ ટ્રેનો બંધ નહિ થાય. બીલીમોરા-વઘઈ નેરોગેજ તેમજ મીંયાગામ-માલસર અને કોરડા-મોટીકોરલ ટ્રેનો બંધ નહિ થાય તેવો નિર્ણય લેવાયો છે. છેલ્લા ઘણા સમયથી ખોટ કરતી નેરોગેજ ટ્રેનોને બંધ કરવાનો નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં ભારે નારાજગી જોવા મળી હતી. નવસારીમાં પણ રેલવે સંઘર્ષ સમિતિએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે નેરોગેજ બંધ નહિ રહે તેવા સમાચારથી ડાંગ અને નવસારીના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ડાંગ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ટ્રેન હોય સાથે આ ટ્રેનમાં બેસીને લોકો સુરત, વાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પણ અવર જવર કરતા હોય છે. ત્યારે ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી હતી. ગુજરાતમાં એક તરફ કરોડોના ખર્ચે બૂલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય, ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેનને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પૂરાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ નેરોગેજ ટ્રેનો 100 વર્ષ અગાઉ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ સરકાર પાસેથી શરૂ કરાવી હતી. જેમાં ઊંડાણવાળા જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને સુવિધા મળે અને ત્યાં અંગ્રેજોને સાગી ઇમારતી, સીસમના લાકડાની લાવવાની સુવિધા મળી રહે તે માટે શરૂ કરાઈ હતી. કાળક્રમે વાહનવ્યવહાર વધવાની સાથે આ નેરોગેજનો પ્રવાસ લાંબો લાગતા લોકોએ તેનો ઉપયોગ ઓછો કર્યો હતો. પરિણામે તેને ચલાવવુ રેલવે માટે ખોટનો ધંધો થયો હતો. તેમાં પણ વીજળી અને ડીઝલના ભાવમાં વધારો હોઈ સ્ટાફ વગેરેનો પ્રશ્ન હોય એમ દિન-પ્રતિદિન આ ટ્રેનો ચલાવવી રેલવેની પરવડતી ન હતી. આથી રેલવે દ્વારા ગુજરાતની આ તમામ 11 નેરોગેજ ટ્રેનોને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

વલસાડથી ડાંગ જિલ્લાને જોડે છે ટ્રેન સેવા

આ નેરોગેજ ટ્રેન સેવા વલસાડ જિલ્લામાં બીલીમોરાને ડાંગ જિલ્લામાં બનેલ વઘઈ જંક્શન સાથે જોડે છે. આ રુટનું અંતર અંદાજે 63 કિલોમીટર છે. તેમાં મોટાભાગનો વિસ્તાર એવો છે, જે રોડ કનેક્ટિવિટીથી સાવ દૂર છે અને ત્યાંના લોકો માટે એકમાત્ર ટ્રેન સુવિધા જ મોટો સહારો છે. આ ટ્રેનમાં કુલ 5 કોચ છે અને તેનું મેક્સિમમ ભાડુ 15 રૂપિયા છે. ગુજરાતના આ હિસ્સામાં રહેતા આદિવાલી આ ટ્રેનના માધ્યમથી જંગલમાં ઉગતી શાકભાજી અને અન્ય ખેતપેદાશોને બિલીમોરા સુધી લઈ જાય છે.

આદિવાસીઓએ નારાજગી વ્યકત કરી

બિલીમોરામાં કામ કરતા ડાંગના ગરીબ મજૂરો પણ પોતાની રોજની અવરજવર માટે આ ટ્રેનનો ઉપયોગ કરે છે. આ ટ્રેન સેવા બંધ થવાની જાહેરાત થયા બાદ આ આદિવાસીઓને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું હતું. આદિવાસીઓએ રેલ મંત્રાલયના નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરીને વલસાડના સાંસદ ડો. કેસી પટેલ અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલને મળીને તેને ફરી શરૂ કરવાની માંગ કરી હતી. આ ટ્રેન બંધ થવાથી આદિવાસી વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડવાની હોય જેને ધ્યાને લઈ તેનો વિરોધ કરી આગામી સમયમાં જો ટ્રેનને બંધ કરવાનો નિર્ણય પાછો ન ખેંચવામાં આવે તો આંદોલન કરવાની અને ધરણા કરવાની ચીમકી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉચ્ચારી હતી.

(4:54 pm IST)