Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ગાંધીનગર નજીક ઉવારસદમાં નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં હત્યાને અંજામ આપનાર આરોપીને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

ગાંધીનગર:શહેર નજીક આવેલા ઉવારસદમાં દોઢ વર્ષ અગાઉ બાવળ કાપવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ આરોપીએ ઘરે સુઈ રહેલા આધેડને ગળાના ભાગે ધારીયું મારી હત્યા કરી હતી. જે મામલે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલો અને પુરાવાઓ ગ્રાહય રાખી કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો હતો અને રપ હજાર દંડ ભરવા પણ આદેશ કર્યો છે.   

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં ગત તા.૩ જુલાઈ ર૦૧૯ના રોજ બુધાજી ખોડાજી ઠાકોર અને ગામમાં જ રહેતાં બુધાજી સેંધાજી ઠાકોર વચ્ચે સવારના સમયે બાવળ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેનું મનદુખ રાખીને તે જ દિવસે રાત્રીના સમયે ઉવારસદના ખાંટવાસમાં બુધાજી ખોડાજી ઠાકોર સુઈ રહયા હતા તે દરમ્યાન આરોપી બુધાજી સેંધાજી ઠાકોર ત્યાં પહોંચ્યો હતો અને ગળાના ભાગે ધારીયું મારીને હત્યા કરી હતી. જે સંદર્ભે મૃતકની પુત્રીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ગાંધીનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજશ્રી એન.સી.રાવલની કોર્ટમાં ચાલ્યો હતો. જયાં કોર્ટે પુરાવો અને તપાસ અધિકારીની જુબાની લીધી હતી. સરકારી વકીલ જીગ્નેશ જોષીએ ધારદાર દલીલો કરી હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપીને કાયદામાં દર્શાવેલી સજા થાય તેવી માંગણી કરી હતી. જેના અનુસંધાને કોર્ટે આરોપી બુધાજી સેંધાજી ઠાકોરને હત્યાના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે અને રપ હજાર રૃપિયા દંડ ભરવા પણ આદેશ કર્યો છે. 

(5:30 pm IST)