Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

આણંદ જિલ્લાના તારાપુરના મોરજ રોડ નજીક આઠ ફૂટનો મહાકાય અજગર જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

આણંદ:જિલ્લાના તારાપુરના મોરજ રોડ ઉપર આવેલ એક કંપની નજીક આઠ ફુટનો મહાકાય અજગર આવી ચઢતા સ્થાનિકોમાં ભયની લાગણી વ્યાપી હતી. તારાપુર વનવિભાગ અને વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમોએ અજગરનું રેસ્ક્યુ કરી તેને પુનર્વસન માટે સુરક્ષિત જગ્યાએ મુક્ત કરાયો હતો.

મળતી માહિતી મુજબ તારાપુરના મોરજ રોડ ઉપર આવેલ એક એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નજીક આજે સવારના સુમારે આશરે આઠ ફૂટનો મહાકાય અજગર આવી ચઢતા સ્થાનિક ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. સ્થાનિકોએ તુરંત જ તારાપુરના વન  વિભાગ અને વલ્લભવિદ્યાનગરના નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરતા બંને વિભાગની ટીમો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્વયંસેવકો દ્વારા અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમ્યાન અજગર ઝાડ પાસે ભરાઈને બેઠો હોવાનું માલુમ પડયું હતું. સ્વયંસેવકોએ ભારે જહેમત બાદ આઠ ફૂટના મહાકાય અજગરને સુરક્ષિત  રીતે પકડી લીધો હતો. બાદમાં તેને પુનર્વસન માટે તેના રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરાયો હતો. આ અંગે સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું કે શિયાળાના સમયમાં ઠંડીના કારણે ગરમાવો મેળવવા માટે આ અજગર ઝાડ પાસે લપાઈને બેઠો હતો. સીમ વિસ્તારમાં અવાર-નવાર અજગર જોવા મળતા હોય છે અને તેનું પ્રાકૃતિક આવાસ હોઈ કેટલીકવાર ખુલ્લી જગ્યામાં ગરમાવો મેળવવા આ રીતે અજગર આવી ચઢતા હોય છે.

(5:35 pm IST)