Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

બસ 28 મિનીટ મોડી ઉપડતા ટ્રાવેલ્સ કંપનીને 2500 રૂપિયા ચૂકવવાનો જિલ્લા તકરાર નિવારણ કમિશનએ કર્યો આદેશ

ટ્રાવેલ્સ કંપનીને ફરિયાદીને માનસિક ત્રાસ – દુઃખ માટે 2000 અને ફરિયાદ ખર્ચ પેટે 500 ચૂકવવા આદેશ

અમદાવાદ: બસ નિર્ધારિત સમયથી 28 મિનિટ જેટલી મોડી ઉપડવાના કિસ્સામાં ફરિયાદીએ કેસ દાખલ કરતા ગુજરાતના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનએ ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીને ફરિયાદીને કુલ 2500 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે

  ગુજરાતના જિલ્લા તકરાર નિવારણ કમિશન નોંધ્યું કે ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીની બસ નિર્ધારિત સમય કરતાં મોડી ઉપડી અને તેને લીધે નિર્ધારિત સમય કરતાં મોડી અમદાવાદ પહોંચી હોવાથી તેમની સેવામાં ખામી હતી. કમિશને ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીને ફરિયાદીને માનસિક ત્રાસ – દુઃખ માટે 2000 રૂપિયા અને ફરિયાદ ખર્ચ પેટે 500 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. ફરિયાદીએ શિયાળામાં અમદાવાદ રાત્રે 11:30ની જગ્યાએ 01:30 વાગ્યે પહોંચ્યા હોવાની રજુઆત કરાઈ હતી

  નોંધનીય છે કે ફરિયાદીએ કમિશન સમક્ષ માનસિક ત્રાસ – દુઃખના 50,000 રૂપિયા અને ફરિયાદ ખર્ચ પેટે 10,000 રૂપિયા વળતર પેટે મેળવવાની માંગ કરી હતી. જોકે કમિશન નોંધ્યું કે ફરિયાદીએ ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપની પાસેથી જામનગર થી અમદાવાદ આવવાની કુલ 1100 રૂપિયાની બે ટીકીટ ખરીદી હતી અને તેને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ્સ કંપનીને 2500 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે

ટ્રાવેલ્સ કંપની તરફે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે બસ તેના નિર્ધારિત સમયથી મોડી ઊપડશે એ અંગેની જાણ ફરિયાદીને મેસેજ મારફતે જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક અને કેટલાક યાંત્રિક કારણસર બસ મોડી ઉપડી જેને સેવામાં ખામી તરીકે માની શકાય નહિ. જામનગર થી અમદાવાદની યાત્રા આશરે સાત કલાક જેટલી છે અને જેથી યાત્રા દરમિયાન પેસેન્જરના રિફ્રેશ થવા માટે વચ્ચે વચ્ચે હોલ્ટ લેવા પડે છે

  ટ્રાવેલ્સ કંપનીના સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બસ સમયસર તેના સ્થળ પર પહોંચી ગઈ હતી અને એવી કમિટમેન્ટ પણ આપવામાં આવી ન હતી કે બસ 11:30 વાગ્યે જ અમદાવાદ પહોંચશે. જે બસ મોડી ઉપડી હોય તે સ્વાભાવિક રીતે આગમન સ્થળ પર મોડી પહોંચશે

આ સમગ્ર કેસની વિગત એવી છે કે ૧૩ મી જાન્યુઆરી 2020 ના રોજ ફરિયાદી અને તેમના પત્નીએ જામનગર થી અમદાવાદ માટે ખાનગી ટ્રાવેલ્સ કંપની પાસેથી 1100 રૂપિયાની બે ટીકીટ ખરીદી હતી. આ બસ જામનગરથી સાંજે 5:30 વાગ્યે ઉપડવાની હતી જોકે કોઈ કારણસર મેસેજ થકી તેનું ટાઈમ સાંજના 6 વાગ્યા જણાવવામાં આવ્યું હતું. જોકે ત્યારપછી પણ બસ સાંજે 6:28 ઉપડતા ફરિયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવરણ કમિશનમાં અરજી કરી હતી.

(9:08 pm IST)