Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

લાંચકાંડમાં શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાના અમદાવાદ સેશન્સ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

આરોપી દેવેન્દ્ર ઓડેદરાએ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું

અમદાવાદના મહિલા PSI શ્વેતા જાડેજા વતી આંગડિયા મારફતે લાંચની 35 લાખ રૂપિયા લાંચ પેટે સ્વીકારનાર તેમના બનેવી આરોપી દેવેન્દ્ર ઓડેદરાએ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ પોલીસે શનિવારે રજૂ કરતા અમદાવાદ સેશન્સ કોર્ટે ઓડેદરાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આરોપી દેવેન્દ્ર ઓડેદરાએ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં શુક્રવારે સરેન્ડર કર્યું હતું. થોડાક દિવસ પહેલા જ કોર્ટ દ્વારા આરોપી ઓડેદરાને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

હાલમાં જ અમદાવાદની સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે દેવેન્દ્ર ઓડેદરાને ફરાર જાહેર કરતા તેમના ઘર અને ઓફીસ બહાર ‘ફરાર’ની નોટિસ ચીપકવવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહિ કોર્ટે ફરાર જાહેર કરતી નોટીસની નકલ અખબારમાં પ્રકાશિત કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે આરોપી દેવેન્દ્ર ઓડેદરાને હાજર રહેવાનો પણ આદેશ પણ કર્યો હતો

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર તરફે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં CrPCની કલમ 82 મુજબ આરોપીને ફરાર જાહેર કરવાની રજુઆત કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ દેવેન્દ્ર ઓડેદરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે આરોપી તપાસ અધિકારી સાથે સહયોગ કરતો નથી અને આ કેસમાં કસટોડિયલ તપાસની જરૂર હોવાથી વધુ આગોતરા જામીન મંજુર કરી શકાય નહીં

આ સમગ્ર કેસની વિગત એવી છે કે PSI શ્વેતા જાડેજા દુષ્કર્મ કેસના આરોપી સામે પાસા હેઠળની કાર્યવાહી ન કરવા બાબતે 35 લાખ રૂપિયા લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. આ લાંચની રકમ PSIના બનેવી અને સહ-આરોપી – દેવેન્દ્ર ઓડેદરાએ શ્વેતા જાડેજા વતી સ્વીકારી હોવાનો આક્ષેપ સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(9:33 pm IST)