Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ઉમરગામના ચકચારી અપહત બિલ્ડર જીતુ પટેલનો છુટકારો: સાત અપહરણકારોને પણ દબોચી લેવાયા

આઠમા દિવસે અપહત બિલ્ડર પોતાના ઘરે પહોંચતા પરિવારજનોએ રાહતનો દમ લીધો

ઉમરગામના બિલ્ડરનું કારમાં ચાર ઈસમો દ્વારા કરાયેલા અપહરણ પ્રકરણમાં બિલ્ડરનો છુટકારો થયો હોવાની વિગતો સામે આવી રહી છે અને આઠમા દિવસે અપહત બિલ્ડર પોતાના ઘરે પહોંચતા પરિવારજનોએ રાહતનો દમ લીધો છે પોલીસે આ ઘટનામાં સાત જેટલા લોકોની અટકાયત કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

  વિગતો મુજબ ઉમરગામના અકરામારૂતિ નજીક દયાળપાર્ક બંગલામાં રહેતા અને આ વિસ્તારના જાણીતા બિલ્ડર જિતુભાઇ પટેલ (ઉ.વ.45)નું ગત 22મી માર્ચની રાત્રીએ બે કારમાં આવેલા ચાર અજાણ્યા ઇસમો અપહરણ કરી ગયા હતા. અપહ્ત બિલ્ડરને છોડાવવા માટે જિલ્લા પોલીસની તમામ એજન્સી અને ટીમો કામે લાગી હતી.

જોકે, આઠ દિવસ બાદ જિતુ પટેલની ભાળ મળતાં અનેક સવાલો અને તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. પોતાના મિત્રો સાથે રોજની માફક રાત્રીએ મળીને ઘરે દયાળપાર્ક ખાતે પહોંચવાના 200 મીટર અંતરે જાહેર માર્ગ ઉપર તેમની કાર સામે કાર ઉભી કરી દઈ ફિલ્મી સ્ટાઇલથી જીતુભાઈ નું અજાણ્યા શખ્શો અપહરણ કરી ગયા મામલે ઉમરગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્યારે અહેવાલો આવી રહ્યા છે કે બિલ્ડર જીતુ પટેલનો છુટકારો થયો છે અને પોલીસે આ અપહરણ મામલે સાત જેટલા અપહરણકારોને પણ દબોચી લીધા હોવાની માહિતી જાણવા મળી છે.

(11:13 am IST)