Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

અમદાવાદ મનપા દ્વારા જાહેરનામાનું સખ્તાઈથી પાલન કરાવવા કવાયત : વિવિધ સોસાયટીઓ અને મંદિરોમાં ચેકીંગ

કર્ણાવતી કલબ, જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર ઉપરાંત ખોખરા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીમાં ચેકિંગ હાથ ધરાય

અમદાવાદ : શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા આજે ધુળેટીનો પર્વ મનાવવા પર વહીવટી તંત્ર દ્વારા કેટલાક -તિબંધો મૂકવામાં આવ્યા છે. કોર્પોરેશને બહાર પાડેલા જાહેરનામા મુજબ મોટી સોસાયટીમાં જો લોકો એકઠા થઈને હોળી રમતા પકડાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે. આટલું જ નહીં, જે-તે સોસાયટીમાં પાણી અને ગટરનું કનેકશન પણ કાપી નાંખવામાં આવશે. આ જાહેરનામાનું સખ્તીથી પાલન કરવા માટે શહેરના વિવિધ ઝોનમાં આવેલી સોસાયટીઓ અને મંદિરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાં અને કોર્પોરેશનની ગાઈડલાઈનનો અમલ કરવા માટે ખ્પ્ઘ્ અને પોલીસની ૨૦૦થી વધુ ટીમો શહેરના વિવિધ ઝોનમાં ચેકિંગ માટે નીકળી છે. જેમાં એસજી હાઈવે પર આવેલી કર્ણાવતી કલબ, જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર ઉપરાંત ખોખરા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 સામાન્ય રીતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે સોસાયટીઓ, જાહેર સ્થળો, મેદાનો, પાર્ટી પ્લોટો અને કલબો પર લોકો એકઠા થાય છે. જો કે આ વખતે કોરોના સંક્રમણની સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા ધૂળેટી મનાવવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે.

 આ ગાઈડલાઈન મુજબ તમામ કલબો સંપૂર્ણ બંધ રહેશે. શહેરના તમામ સ્વિમિંગ પૂલો પણ બંધ રહેશે અને મોટી-મોટી સોસાયટીઓ સાથે બંગલાઓમાં ટોળે વળીને પાણી કે રંગથી હોળી રમવા પર રોક લગાવવામાં આવી છે. જ્યારે સમાજની વાડીઓમાં પણ યોજાનારા કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા છે. આ સિવાય મોટા-મોટા મંદિરો અને હવેલીઓમાં કોઈ ઉજવણી થઈ શકશે નહીં. જો કોઈ આ નિયમોનો ભંગ કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:16 pm IST)