Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

અમદાવાદમાં દર ૧૦૦ સેમ્પલમાંથી ૨૦ ટકા રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ, તા.૩૦: કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદથી સતત મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ, અમદાવાદમાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ શહેરીજનોની લાંબી લાઈન લાગી છે. શહેરમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાના કેસ વચ્ચે નાગરિકો પણ સતર્ક થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક તબીબના અહેવાલથી અમદાવાદીઓનું ટેન્શન ચોક્કસથી વધી જશે.કોરોના વેકસીન લીધા બાદ જે લોકોને કોરોના થયો તેમના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે વેકસીન લીધી છે અને કોરોના થયો છે, તેમનામાં કોઈ ગંભીર અસર જોવા ન મળી રહી હોવાનું તારણ સામે આવ્યું છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડીન પ્રણય શાહે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં પોઝિટિવિટી રેશિયો ખૂબ વધ્યો છે.

છેલ્લા બે અઠવાડીયાથી કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. હાલ લેવાઈ રહેલા ૧૦૦ સેમ્પલમાંથી ૨૦ ટકા રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. એન્ટીજન ટેસ્ટ સિવાય હાલ ૮૦૦ જેટલા RTPCR હાલ કરી રહ્યા છે, અગાઉ ૫૦૦ જેટલા ટેસ્ટ કરાતા હતા. થોડા સમય અગાઉ ૧૦૦ થી વધુ લોકોના ટેસ્ટ કરીએ એટલે ૧ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો. સર્વેલન્સના કેસોમાં ૫૦૦ માંથી એકાદ વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો.

(3:23 pm IST)