Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

અમદાવાદમાં ઇકો કારના સાયલેન્‍સરની ચોરી કરતી ગેંગ ઝડપાઇઃ 3 શખસોની ધરપકડ સાથે 50 ગુન્‍હાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત ઇકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. જોકે આ ગેંગ eeco કારના સાઇલેન્સરમાં આવતી માટીની ચોરી કરવા માટે ક્યારેક સાઇલેન્સર તો ચોરી કરતા પરંતુ નવી ક્યારેક નવી મોડસ ઓપરેન્ડી પણ અપનાવતા હતા. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ની ચોરી કરતી ગેંગ એ આતંક મચાવ્યો છે. આ ગેંગ પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે.

જો કે પોલીસે અગાઉ આવી ગેંગની ધરપકડ કરીને અનેક ગુનાનો ભેદ તો ઉકેલી કાઢ્યો છે. પરંતુ આવી ગેંગનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક ગેંગ રોજબરોજ બનાવોને અંજામ આપી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવી ગેંગના વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. ક્રાઇમ બ્રાન્ચે મૂળ ઉત્તર પ્રદેશના શાબિર ચૌહાણ, દાણીલીમડાના દાનીસ ખાન પઠાણ અને સાણંદના સરફરાજ શેખની ધરપકડ કરી છે.

આરોપીઓ અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર ઉભી રહેતી ઇકો કાર ભાડે કરીને ફેમિલીને લઈ જવાના બહાને દાનિશ ખાન પઠાણના ઘરે લઈ જતા હતા. જ્યાં તેઓ ડ્રાઈવરને ચા-નાસ્તો કરવાના બહાને બહાર લઈ જઈ ઇકો કારનું સાઇલેન્સર ખોલી તેમાંથી માટી ચોરી કરીને સાઇલેન્સર ફરી ફીટ કરી દેતા હતા અને બહાર જવાનું કેન્સલ થઈ છે તેમ કહીને ડ્રાઈવરને થોડા ઘણા રૂપિયા આપીને પરત મોકલી દેતા હતા. એટલું જ નહીં ક્યારેક ગોડાઉન કે સોસાયટીમાં પાર્ક કરેલ ઇકો કારનું સાયલેન્સર કાઢીને પણ ચોરી કરી લેતા હતા. આરોપીઓ ઇકો કારના સાયલેન્સરમાંથી ચોરી કરેલ માટી દિલ્હીમાં ઊંચા ભાવે વહેંચતા હતા. હાલમાં પોલીસે આ ગેંગની ધરપકડ કરીને લગભગ ૫૦ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. અને વધુ તપાસ શરૂ કરી છે.

(4:40 pm IST)