Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કાલથી આઈપીએલઃ મેચ પહેલા જલ્‍સો

સાંજે ૬ વાગ્‍યાથી બોલીવૂડ અને સાઉથની મેલડી પર્ફોમ કરશે : અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ ખાતે ૧ લાખથી વધુ ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડશેઃ ધોની- હાર્દિક સેના વચ્‍ચે પ્રથમ મુકાબલોઃ ૯૬ પી.એસ.આઈ. સહિત ૩૧૦૦ પોલીસ કર્મચારીઓ ખડેપગે સેવા આપશે

અમદાવાદના સ્‍ટેડિયમમાં કોમેન્‍ટરી બોકસની બાજુના સ્‍ટેન્‍ડમાં ઊંચુ સ્‍ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્‍ટેજની હાઈટ એટલી ઊંચી છે કે સ્‍ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકો કલાકારોના પર્ફોર્મન્‍સ જોઈ શકશે.(૩૦.૫)

નવી દિલ્‍હીઃ અમદાવાદમાં આવતીકાલે પહેલીવાર આઈપીએલની ઓપનિંગ સેરેમની અને ઓપનિંગ મેચ યોજાવાની છે અને એ માટે વિશ્વના સૌથી મોટા નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમને સજજ કરવામાં આવ્‍યું છે.આઈપીએલની ઓપનિંગ સેરેમનીના આઈ- વિટનેસ એક લાખથી વધુ ક્રિકેટરસિકો બનશે જે રેકોર્ડ થશે. અમદાવાદના ક્રિકેટચાહકોમાં હાર્દિક પંડયા અને તેની ગુજરાત ટાઈટન્‍સ ટીમને હોમ ગ્રાઉન્‍ડ પર વેલકમ કરવા થનગનાટ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં દર્શકોની બેસવાની ક્ષમતા ૧,૩૨,૦૦૦ની છે. ભારતમાં કે વિશ્વમાં આટલા બધા  દર્શકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્‍ટેડિયમ નથી ત્‍યારે પહેલીવાર આ સ્‍ટેડિયમમાં આઈપીએલની ઓપનિંગ સેરેમની અને ઓપનિંગ મેચ યોજાશે, જેને ક્રિકેટચાહકો દ્વારા જબ્‍બર પ્રતિસાદ મળ્‍યો છે. ટિકિટનું વેચાણ થઈ ચૂકયું છે ત્‍યારે આ સ્‍ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીમાં એક લાખથી વધુ દર્શકો ઉપસ્‍થિત રહેશે એવી ધારણા છે.

સ્‍ટેડિયમમાં રમાનારી મેચોને લઈને પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાશે. મેચ દરમ્‍યાન ૯ ડીસીપી, ૧૬ એસપી, ૩૬ પોલીસ - ઈન્‍સ્‍પેકટર, ૯૬ પોલીસ સબ- ઈન્‍સ્‍પેકટર સહિત ૩૧૦૦ જેટલા પોલીસ - કર્મચારીઓ સ્‍ટેડિયમ પર અને બહાર બાજનજર રાખશે.

આવતીકાલે ઓપનિંગ સેરેમનીમાં ક્રિકેટ- ફેન્‍સને મેચ સાથે મનોરંજનનો મહાથાળ માણવા મળશે. સાઉથની હાર્ટથ્રોબ હિરોઈન રશ્‍મિકા મંદાના અને તમન્‍ના ભાટિયા ધમાકેદાર પર્ફોર્મન્‍સ આપશે. એટલું જ નહીં, સિંગર અરિજિતસિંહ પહેલીવાર આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં અડધો કલાક લાઈવ પર્ફોર્મ કરીને ચાહકોને સૂરોથી ડોલાવશે.

ક્રિકેટચાહકોને મેચના આરંભ પહેલાં મનોરંજનની મહેફિલ માણવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત દેશમાં સાઉથની ફિલ્‍મોનાં ગીતોએ લોકચાહના મેળવી હોવાથી અને સાઉથનાં સોન્‍ગ્‍સ હમણાં ફેમસ હોવાથી આ સેરેમનીમાં સૌઉથની ટોચની બે હિરોઈન રમિશ્‍કા મંધાના અને તમન્‍ના ભાટિયા કોરિયોગ્રાફર શામક દાવરના ગ્રુપ સાથે વીસેક મિનિટ સુધી બોલીવુડ અને સાઉથની મેલડી પર પફોર્મ કરશે. સાંજે ૬ વાગ્‍યે કાર્યક્રમ શરૂ થશે. એકંદરે ૪૫ થી ૬૦ મિનિટનો ઓપનિંગ સેરેમની કાર્યક્રમ યોજાશે.

(12:10 pm IST)