Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

દાણીલીમડામાંથી કોમર્શિયલ ગેસમાં રીફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું

અમદાવાદ, તા.૩૦: ગરીબોને ઘરેલુ ગેસના બાટલા મળતા નથી ત્‍યાં દાણીલીમડા કે.જી.એન એન્‍ટરપ્રાઈઝના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્‍ચે દરોડો પાડીને ગેરકાયદે ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસમાં રીફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડ્‍યું હતું. આ મામલામાં બે લોકોની ધરપકડ કરી ૮૭ ગેસ સિલિન્‍ડર સાથે ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સામાન્‍ય પાઇપના ટુકડાની મદદથી ડોમેસ્‍ટિક ગેસ સિલિન્‍ડરમાંથી કોમર્શિયલ સિલિન્‍ડર રીફિલિંગ અને ચોરીનો વેપલો ચાલી રહ્યો હતો. આ ગુનામાં એક આરોપીને વોન્‍ટેડ પણ જાહેર કરવામાં આવ્‍યો છે.

પોલીસે મોહસીન ઉર્ફે પપ્‍પુભાઈ શેખ અને રવીન્‍દ્ર જૈન નામના શખ્‍સની  ધરપકડ કરી હતી. આ ગુનાનો અન્‍ય એક આરોપી હરિસિંગ ફરાર થઈ ગયો હતો. જેને વોન્‍ટેડ જાહેર કરાયો છે. પોલીસે ૮૭ ગેસ સિલિન્‍ડર, સિલિન્‍ડર સીલ અને ગેસ ચોરી કરવા બનાવાયેલાં સાધનો સહિત ત્રણ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ગેરકાયદે ગેસ રીફિલિંગમાં કોને કેટલા રૂપિયા મળતા હતા અને કેટલા સમયથી ગેસ રીફિલિંગનું કામ કરવામાં આવતું હતું તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(3:04 pm IST)