Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ : ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી આર્થિક રીતે વધુને વધુ સદ્ધર થાય એ માટે કૃષિ લક્ષી કૌશલ્ય વર્ધન તાલીમ પૂરી પડાય છે: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧,૬૭૪ ખેડૂતોને સંસ્થાકીય તાલીમ અપાઇ

રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે વધુને વધુ સદ્ધર કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને આર્થિક રીતે વધુને વધુ સદ્ધર બને એ માટે કૃષિલક્ષી કૌશલ્ય વર્ધન તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરીને તજજ્ઞો, નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવે છે.

આજે વિધાનસભા ખાતે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને તાલીમ અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૧,૬૭૪ ખેડૂતને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે જેમાં ૮૭૦ મહિલાઓ અને ૮૦૪ પુરુષોએ ભાગ લીધો હતો તે પાછળ રૂ. ૧૮.૬૩ લાખનો ખર્ચ કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત સંસ્થાકીય તાલીમમાં વિવિધ પ્રકારની તાલીમ પ્રેરણા પ્રવાસ, રાજ્ય બહારનું શૈક્ષણિક પ્રવાસ દ્વારા જ્ઞાન અને ટેકનોલોજીથી માહિતીગાર કરવાનો પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

(4:46 pm IST)