Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

1 એપ્રિલથી અમદાવાદ-વડોદરા હાઇવે પર ટોલ ટેક્‍સમાં 5થી 10 રૂપિયાનો વધારો કરાયો

ફાસ્‍ટટેગની ટોલ ફી 50 રૂપિયા જ્‍યારે ઔડા રીંગ રોડના 130 અને અમદાવાદ માટે 135

અમદાવાદઃ સામાન્ય લોકોને પડતા પર માટું મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે બે દિવસ બાદ એટલે કે પહેલી એપ્રિલથી હવે વડોદરા અને અમદાવાદ વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે તથા નેશનલ હાઈવે 48 પર ટોલ ફીનો વધારો અમલી કરવામાં આવશે જેના કારણે આ રસ્તે અવરજવર કરતા લોકોના ખિસ્સા પર અસર થઈ શકે છે. આ જાહેરાત આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે.

કેટલો થયો વધારો

મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા જે  જાહેરાત કરવામાં આવી છે તે મુજબ વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ  ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH 48) રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કારના હવેથી 150 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારા બાદ હવે સામાન્ય લોકોના ખિસ્સા વધુ ખાલી થશે જે તેમના બજેટ પણ ખોરવી શકે છે.

(5:22 pm IST)